<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

દિવાળી બાદ દિલ્હીની હવાની ગુણવત્તામાં ભયજનક ઘટાડો, AQI ૪૦૪ પર પહોંચતા ગેસ ચેમ્બરમાં ફેરવાયું પાટનગર

મુંબઈની હવા રાજધાની કરતા નોંધપાત્ર રીતે સારી, પ્રદૂષણનું સ્તર ગંભીર શ્રેણીમાં પહોંચતા વિઝિબિલિટી ઘટી અને શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાઈ

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દિવાળીના તહેવારની ઉજવણી પૂરી થતાની સાથે જ હવાની ગુણવત્તામાં તીવ્ર અને ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે સવારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા જારી કરવામાં આવેલા તાજા આંકડા મુજબ, દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સીધો ૪૦૦ ને વટાવીને 'ગંભીર' શ્રેણીમાં પહોંચી ગયો છે, જેના કારણે આખો વિસ્તાર પ્રદૂષણની ઘેરી ચાદરમાં લપેટાઈ ગયો છે.

તહેવાર બાદ અચાનક વધી ગયેલા પ્રદૂષણને લીધે સોમવારે સવારથી જ શહેરના મોટાભાગના ભાગોમાં ઝેરી ધુમ્મસની જાડી ચાદર છવાઈ ગઈ હતી. આ ગાઢ ધુમ્મસ અને પ્રદૂષણના કારણે વાહનવ્યવહાર પર ભારે અસર પડી છે અને દૃશ્યતામાં મોટો ઘટાડો નોંધાયો છે. સવારમાં મોર્નિંગ વોક પર નીકળેલા નાગરિકો તેમજ સામાન્ય લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં ગંભીર તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના લાઈવ ડેટા અનુસાર, ગાઝીપુર વિસ્તારમાં AQI ભયજનક રીતે ૪૧૮ નોંધાયો છે, જે સીધો 'ગંભીર' કેટેગરીમાં આવે છે, જ્યારે અક્ષરધામ મંદિરની આસપાસનો AQI ૫ણ ૩૩૭ જેટલો ઊંચો રહીને 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં નોંધાયો છે. શહેરના અન્ય મોનિટરિંગ સ્ટેશનો પર પણ હવાની સ્થિતિ અત્યંત કથળેલી જોવા મળી છે, જ્યારે તેની સામે મુંબઈ જેવા મહાનગરોમાં હવાની ગુણવત્તા દિલ્હીની સરખામણીમાં ઘણી સારી સ્થિતિમાં છે.

દિલ્હીમાં દર વર્ષે દિવાળી બાદ સર્જાતી આ વાયુ પ્રદૂષણની સમસ્યા હવે કાયમી કટોકટી બનતી જાય છે, જેના પર કાબુ મેળવવા માટે પ્રશાસન દ્વારા આગામી દિવસોમાં એન્ટિ-સ્મોગ ગનનો છંટકાવ, બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ અને ગ્રેપ (GRAP) ના નિયમો વધુ કડકાઈથી લાગુ કરવા જેવા કદમ ઉઠાવવામાં આવી શકે છે. પર્યાવરણવિદો અને તબીબો દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ માસ્ક પહેરવાની કડક સલાહ આપવામાં આવી રહી છે.

(11:29 AM IST)