News of Thursday, 16th April 2026
સીમાંકનનો ‘માસ્ટર પ્લાન’: શું બદલાઈ જશે ભારતનો રાજકીય નકશો? લોકસભાની બેઠકો 543 થી વધીને 850 થવાની ગણતરીએ દક્ષિણના રાજ્યોમાં ચિંતા તો ઉત્તરમાં ઉત્સાહનો માહોલ
કેન્દ્ર સરકાર લોકસભાની બેઠકોમાં જંગી વધારો કરી મહિલા અનામતને વાસ્તવિકતા બનાવવા સજ્જ, ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યો વચ્ચે બેઠકોની વહેંચણીને લઈ છેડાયો જંગ

નવી દિલ્હી: ભારતના લોકશાહી ઇતિહાસમાં એક મોટું પરિવર્તન આવવા જઈ રહ્યું છે, કારણ કે કેન્દ્ર સરકાર લોકસભાની બેઠકોની સંખ્યા 543 થી વધારીને સીધી 850 કરવા તરફ ડગ માંડી રહી છે. આ માત્ર આંકડાની રમત નથી, પણ સત્તાના સંતુલનનું નવું ગણિત છે. 16 એપ્રિલથી શરૂ થઈ રહેલા સંસદના વિશેષ સત્રમાં 'સીમાંકન બિલ' રજૂ થવાની શક્યતા છે, જેની સાથે મહિલાઓ માટે 33% અનામતનો રસ્તો પણ સાફ થશે. જો આ પ્રસ્તાવ પાસ થશે, તો દાયકાઓથી થીજી ગયેલી બેઠકોની સીમાઓ ફરીથી દોરવામાં આવશે, જેનાથી ઘણા દિગ્ગજ નેતાઓના મતવિસ્તારનો ચહેરો બદલાઈ જશે.
સીમાંકનની આ પ્રક્રિયામાં સૌથી મોટો વિવાદ ‘ઉત્તર વિરુદ્ધ દક્ષિણ’નો છે. વિપક્ષી દળો અને ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોને ડર છે કે જેમણે વસ્તી નિયંત્રણમાં સારું કામ કર્યું છે, તેમને ઓછી બેઠકો મળતા રાજકીય નુકસાન થઈ શકે છે. બીજી તરફ, ઉત્તર ભારતના રાજ્યોમાં વસ્તીના આધારે બેઠકો વધવાથી ભાજપ જેવી પાર્ટીઓને મોટો ફાયદો થવાની શક્યતા છે. જોકે, સરકારે આશ્વાસન આપ્યું છે કે તમામ રાજ્યોમાં વસ્તીના પ્રમાણ મુજબ સમાન રીતે બેઠકોમાં વધારો કરવામાં આવશે, જેથી કોઈને અન્યાય ન થાય અને લોકશાહીમાં દરેક નાગરિકને યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે.
નવા પ્રસ્તાવ મુજબ, કેન્દ્રમાં સત્તા મેળવવા માટે હવે 272 ને બદલે અંદાજે 426 બેઠકોની બહુમતી જોઈશે. 1976થી વસ્તીના આધારે બેઠકો વધારવા પર જે પ્રતિબંધ હતો, તે હવે હટવા જઈ રહ્યો છે. આ માટે 2011ની વસ્તી ગણતરીને આધાર બનાવવામાં આવશે, જેનો અર્થ એ છે કે જે વિસ્તારોમાં વસ્તીનો વિસ્ફોટ થયો છે ત્યાં નવા સાંસદો અને ધારાસભ્યોની સંખ્યા વધશે. આ ફેરફારથી સામાન્ય જનતાની સમસ્યાઓનું નિરાકરણ ઝડપથી આવશે એવો દાવો સરકાર કરી રહી છે, પરંતુ રાજકીય પક્ષો માટે આ ગણિત આગામી સમયમાં સત્તાની ખુરશી સુધી પહોંચવા માટે મોટો પડકાર સાબિત થશે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
