તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
અજિત પવાર વિમાન દુર્ઘટના મામલે સત્ય બહાર લાવવાની માંગ: પુત્ર જય પવારે પુણેમાં સીઆઈડી અધિકારીઓ સાથે કરી મુલાકાત
મહારાષ્ટ્રના દિવંગત નેતા અજિત પવારના વિમાન ક્રેશ કેસની પારદર્શક અને ઝડપી તપાસ થાય તે માટે તેમના પુત્રએ તપાસ એજન્સી સમક્ષ રજૂઆત કરી છે.

પુણે : મહારાષ્ટ્રના અગ્રણી રાજકીય નેતા અને દિવંગત નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટના પ્રકરણમાં નવો મોડ આવ્યો છે. બુધવારે દિવંગત નેતાના પુત્ર જય પવારે પુણે ખાતે ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી) ના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરીને આ કરુણ દુર્ઘટના પાછળનું સાચું રહસ્ય બહાર લાવવા અને સમયમર્યાદામાં પારદર્શક તપાસ પૂર્ણ કરવા માટે ભારપૂર્વક માંગ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૨૮ જાન્યુઆરીએ બારામતી એરપોર્ટ પર ઉતરાણ કરતા પૂર્વે થયેલી જીવલેણ વિમાન દુર્ઘટનામાં અજિત પવાર તેમજ પાયલોટ અને સહ-પાયલોટ સહિત કુલ ચાર વ્યક્તિઓનું દુખદ અવસાન થયું હતું. આ ગંભીર ઘટનાની તપાસની વર્તમાન સ્થિતિ અને અત્યાર સુધી લેવાયેલા પગલાંની માહિતી મેળવવા માટે જય પવારે સીઆઈડી કાર્યાલયની મુલાકાત લીધી હતી.
મુલાકાત બાદ જય પવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અજિત દાદાની વિમાન દુર્ઘટનાનું સત્ય લોકપ્રકાશમાં લાવવું એ માત્ર કોઈ એક પરિવારનો જ નહીં, પરંતુ તેમને અત્યંત ચાહનારા લાખો નાગરિકોના વિશ્વાસ અને પ્રશ્નોનો વિષય છે. જનતાના મનમાં ઉઠતી શંકાઓનું નિવારણ લાવવા માટે આ કેસની ઝીણવટભરી તપાસ થવી અનિવાર્ય છે.
નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જય પવારે તપાસ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવાની અને કોઈપણ પ્રકારના વિલંબ વિના તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરવાની માંગ કરી છે. જો આ દુર્ઘટના પાછળ કોઈની પણ બેદરકારી કે જવાબદારી સાબિત થાય, તો કાયદાકીય ધોરણે કસૂરવારો સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી પણ તેમણે અપેક્ષા વ્યક્ત કરી છે.
આ અગાઉ પણ પરિવારના અન્ય સભ્યો અને વિપક્ષી નેતાઓ દ્વારા આ વિમાન દુર્ઘટનાના સંજોગો સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે, જેના કારણે આ મામલો સતત રાજકીય અને ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે. દિવંગત નેતાના પરિવાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ દુર્ઘટનાનું સંપૂર્ણ સત્ય બહાર નહીં આવે ત્યાં સુધી તેઓ આ કેસનો ફોલોઅપ રાખતા રહેશે.
આ બેઠક બાદ સીઆઈડી દ્વારા તપાસને વધુ વેગ આપવામાં આવશે તેવી સંભાવના છે, અને આગામી સમયમાં આ વિમાન દુર્ઘટનાના તકનીકી અને અન્ય સંભવિત કારણો અંગે સત્તાવાર ખુલાસાઓ થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
