તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનો પર સંપૂર્ણ 'પ્રતિબંધ' મૂકવા માંગ: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, દિલ્હી સરકાર અને પોલીસ પાસે માગ્યો જવાબ, CJP ની સંસદ માર્ચ અને કેજરીવાલની જાહેરાતનો ઉલ્લેખ
દેશની સર્વોચ્ચ અદાલતે સ્થિતિને અત્યંત સંવેદનશીલ ગણાવી સોલિસિટર જનરલ તુષાર મહેતાને નિર્દેશ મેળવવા આદેશ આપ્યો: ટ્રાફિક જામ, સુરક્ષા અને કટોકટીની તબીબી સેવાઓ ખોરવાતી હોવાની અરજીમાં રજૂઆત.

નવી દિલ્હી — તા.૦૩ દિલ્હીના હૃદયસમા અને વિરોધ પ્રદર્શનોના મુખ્ય કેન્દ્ર ગણાતા જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકવાની અને તેના બદલે અન્ય કોઈ સ્થળ ફાળવવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની ખંડપીઠે આ મામલે કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસ કમિશનર પાસે સત્તાવાર જવાબ માંગ્યો છે. કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને આ અંગે જરૂરી સૂચનાઓ મેળવવા આદેશ આપ્યો છે.
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે નોંધ્યું હતું કે જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શનોને કારણે કનેક્ટિવિટી, ટ્રાફિક જામ અને ઇમરજન્સી મેડિકલ સપ્લાય જેવી આવશ્યક સેવાઓ ખોરવાય છે, જે એક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો છે. અરજદારના વકીલે તાજેતરમાં ૨૦ જુલાઈના રોજ CJP દ્વારા આયોજિત સંસદ માર્ચ દરમિયાન થયેલા હોબાળા, લાઠીચાર્જ અને કનોટ પ્લેસ વિસ્તારમાં થયેલી તોડફોડનો હવાલો આપ્યો હતો. સાથે જ, આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ દ્વારા વડાપ્રધાન નિવાસસ્થાન સુધી માર્ચ કરવાની કરાયેલી જાહેરાતનો ઉલ્લેખ કરીને આવી ઘટનાઓ રોકવા વિનંતી કરી હતી.
અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે જંતર મંતર ખાતે પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તાઓ ખૂબ જ મર્યાદિત હોવાથી વિશાળ જનમેદનીને નિયંત્રિત કરવી સુરક્ષા બળો માટે કઠિન બની જાય છે. દેશના પ્રથમ મહિલા IPS અધિકારી કિરણ બેદીએ પણ તાજેતરમાં સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને જંતર મંતરને બદલે રામલીલા મેદાનને વિરોધ પ્રદર્શન માટે નિયુક્ત કરવાની સલાહ આપી હતી.
નોંધનીય છે કે જંતર મંતર દાયકાઓથી દેશમાં નિર્ભયા આંદોલન, અણ્ણા હજારેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને મહિલા કુસ્તીબાજોના વિરોધ સહિત અનેક મોટા આંદોલનોનું સાક્ષી રહ્યું છે. જોકે, વધતી જતી ભીડ અને સુરક્ષાના જોખમોને કારણે હવે સુપ્રીમ કોર્ટ આ સ્થળના વિકલ્પ અંગે વિચારણા કરી રહી છે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
