News of Tuesday, 2nd June 2026
NEET UGની પરીક્ષાને પેન-પેપર મોડને બદલે કમ્પ્યુટર- બેઝ્ડ મોડમાં યોજવાની માંગને સુપ્રીમકોર્ટે ફગાવી દીધી
કોર્ટે આ મામલે કોઈ પણ વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો અને મુખ્ય અરજી પરની સુનાવણી જુલાઈ સુધી ટાળી દીધી

દેશભરના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 21 જૂને યોજાનારી NEET UGની પુનઃ પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે. સર્વોચ્ચ અદાલતે 21 જૂનની પરીક્ષાને પેન-પેપર મોડને બદલે કમ્પ્યુટર-બેઝ્ડ મોડમાં યોજવાની માંગને ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં માંગ કરવામાં આવી હતી કે પેપર લીક જેવી ઘટનાઓને રોકવા માટે આગામી પરીક્ષા ઓનલાઇન લેવી જોઈએ. જોકે, સુપ્રીમ કોર્ટે આ માંગને સ્વીકારવાનો ઇનકાર કરતા કહ્યું કે, અત્યારે પરીક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવા અને ઓનલાઇન સિસ્ટમ લાગુ કરવામાં વ્યવહારુ મુશ્કેલીઓ છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હાલની સિસ્ટમ મુજબ જ પેન-પેપર મોડમાં પરીક્ષા લેવામાં આવશે. કોર્ટે આ મામલે કોઈ પણ વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે અને મુખ્ય અરજી પરની સુનાવણી જુલાઈ સુધી ટાળી દીધી છે.
બીજી તરફ, NEET UG પેપર લીક મામલે CBIની તપાસ તેજ બની છે. રાઉઝ એવન્યુ કોર્ટે આ કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ મુખ્ય આરોપીઓને 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. આ આરોપીઓમાં પુણેના ભૌતિક વિજ્ઞાનના શિક્ષક તેજસ હર્ષદ કુમાર શાહ, લાતુરના બાળરોગ નિષ્ણાત ડૉ. મનોજ શિરુરે અને NTA સાથે જોડાયેલા ફિઝિક્સ લેક્ચરર મનીષા સંજય હવલદારનો સમાવેશ થાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકોએ સત્તાવાર મંજૂરી વગર પ્રશ્નપત્ર મેળવીને તેને પૈસા માટે લીક કર્યું હતું. આ મામલે અત્યાર સુધીમાં કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે અગાઉ કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તે એક સોગંદનામું દાખલ કરે અને જણાવે કે ભવિષ્યમાં પેપર લીક જેવી ઘટનાઓ ન બને તે માટે શું નક્કર પગલાં લેવામાં આવશે. જુલાઈ મહિનામાં આ તમામ બાબતો પર એકસાથે સુનાવણી હાથ ધરવામાં આવશે.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
