તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
આયાત ડયૂટી વધારવામાં આવતા સોના અને ચાંદીની માંગમાં દસ ટકાનો ઘટાડો થઈ શકે
બચત, લગ્ન તેમજ તહેવારોમાં ઉપયોગમાં ઓટ આવશે : સંગઠિત ખેલાડીઓ અસંગઠિત ઝવેરીઓ કરતાં વધુ સારું પ્રદર્શન કરે તેવી શક્યતા

મુંબઈ,તા.૧૪: સોના અને ચાંદી પર આયાત ડયુટી છ ટકાથી વધારી ૧૫ ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેની અસરો અંગે વિશ્લેષકો તરફથી વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. કેમ કે, આ નિર્ણયની અસરો વ્યાપક છે. અલબત્ત સોના અને ચાંદીની ઊંચી ડ્યૂટીથી ભારતની વેપાર ખાધમાં ઘટાડો થઈ શકે છે અને એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારા ચલણોમાં પૈકી એક ભારતીય રૂપિયાને ટેકો મળી શકે છે. બીજી તરફ ટેરિક વધારાની ઘોષણા બાદ જવેલરી જાયન્ટ્સના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડો છ ટકા સુધી હોવાનું અનુમાન છે. નિષ્ણાતોનું માનવું છે કે, કીમતી ધાતુ પરની આયાત ડડ્યૂટીમાં વધારો કરવામાં આવતા ભારતમાં સોનાની કુલ માંગમાં દસ ટકાનો ઘટાડો થઈ શકે છે. એવી પણ શક્યતા છે કે, હાલમાં પચિ મ એશિયાની સ્થિતિને કારણે મોંથવારી વધવાથી લોકો ફુગાવાને પહોંચી વળવા ગોલ્ડ લોન તરફ આકર્ષિત થઈ શકે છે. આ કીમતી ધાતુઓ ભારતીય સંસ્કૃતિમાં ઊંડે સુધી મૂળિયા ધરાવે છે. બચત, લગ્ન અને ધાર્મિક તહેવારોમાં સોના-ચાંદીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. જેથી કર વધારાના નિર્ણયની વ્યાપક અસર થઈ શકે છે.
ભારત લગભગ તેની બધી માંગ આવાત દ્વારા પૂર્ણ કરે છે. ગયા વર્ષે ભારતમાં વિદેશીથી ૭૧૦ ટન સોનું આવ્યું હતું. એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. છેલ્લા બે બે વર્ષમાં કીમતી ધાતુનું મૂલ્ય બમણાથી પણ વધુ વધી ગયું છે. જો કે મધ્ય- પૂર્વમાં યુદ્ધ બાદ તેના ભાવમાં ઘટાડો થયો છે અને ખાસ્સો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, આયાત ડયુટીમાં વધારો થવાથી નજીકના ભવિષ્યમાં સ્થાનિક પ્રીમિયમમાં વધારો થઈ શકે છે.
આયાત ડયુટીમાં વધારો સોના અને ચાંદીના ભાવ પર એક વખતની અસર પાડી શકે છે પણ ભૌતિક માંગ પર તેની અસર વ્યાપક હોઈ શકે છે. કેમ કે, ઊંચા ભાવ અને બુલિયન આયાત ઘટાડવાના પ્રયાસોને કારણે ખરીદદારો સાવચેત થઈ શકે છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, આયાત ડ્યૂટીમાં વધારાને કારણે નજીકના ભવિષ્યમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે, જેથી નવી ખરીદીમાં ઉત્સાહનો અભાવ વર્તાઈ શકે છે.
જો કે વૈશ્વિક સ્તરે કીમતી ધાતુઓ માટે તેજીના પરિબળો હજુ પણ અકબંધ રહી શકે છે. ભાવ સંવેદનશીલતાને કારણે મોંધા ઝવેરાતની ખરીદી લોકો મુલતવી રાખી શકે છે. અલબત્ત મજબૂત બાન્ડ્સ, વધુ સારા ઈન્વેન્ટરી મેનેજમેન્ટ અને ઉચ્ચ ગ્રાહક વિશ્વાસને કારણે સંગઠિત ખેલાડીઓ હજુ પણ નાના અસંગઠિત ઝવેરીઓ કરતાં વધુ સારૂં પ્રદર્શન કરી શકે છે. વિશ્લેષકોનું માનવું છે કે, ઝવેરાત વેપાર માટે આ વર્ષ નબળું રહી શકે છે. નિષ્ણાતો તરફથી વેપારમાં પાંચ ટકાથી સાત ટકાનો ઘટાડો થવાની શક્યતા વ્યકત કરવામાં આવી હતી. વિશ્લેષકોના અન્ય એક જૂથે વેચાણ વોલ્યુમમાં દસ ટકાથી ૧૫ ટકા સુધીનો ઘટાડા થવાનો આગાહી કરી છે.
અલબત્ત મૂલ્યની દ્રષ્ટિએ તે ઊંચા સ્તરે રહેશે. ચાહકો ઓછા વજનના દાગીનાની ખરીદી તરફ વળી શકે છે. આગામી ક્વાર્ટરમાં પણ સોના અને ચાંદીની માંગમાં ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. ઊંચું ડડ્યૂટી માળખું કદાચ ઓછામાં ઓછા એક વર્ષ સુધી અથવા ઓછામાં ઓછા મધ્યપૂર્વમાં શાંતિ ન સ્થપાયા ત્યાં સુધી કીમતી ધાતુની માંગને અસર કરી શકે છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
