<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

ઉત્તર પ્રદેશમાં ઠંડી સાથે ગાઢ ધુમ્મસનો પ્રકોપ : અનેક શહેરોમાં દૃશ્યતા ઘટી, નોઈડામાં છ વિમાની સેવાઓને અસર, પાંચ ફ્લાઈટ રદ: પ્રદૂષણથી લોકો પરેશાન: સવારે દિલ્હીમાં એકયુઆઈ ૩૧૯ નોંધાયો: ગાઝિયાબાદમાં ૩૪૬ અને મેરઠમાં ૩૩૩ સુધી પહોંચ્યો, બાંધકામ પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ

લખનૌ, ઉન્નાવ, દેવરિયા સહિત અનેક વિસ્તારોમાં ધુમ્મસ : નોઈડા-ગાઝિયાબાદમાં ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓને ઘરેથી અભ્યાસ કરવાનો વિકલ્પ, પાંચ દિવસ પછી ઠંડી વધશે

લખનૌ, તા. ૧૨ : ઉત્તર પ્રદેશમાં શિયાળાની શરૂઆત સાથે જ ધુમ્મસ અને વાયુપ્રદૂષણની બેવડી સમસ્યા ઊભી થઈ છે. આજે ગુરુવારે વહેલી સવારે લખનૌ, ઉન્નાવ, દેવરિયા, કુશીનગર, બલિયા સહિત અનેક શહેરોમાં ધુમ્મસ છવાઈ ગયું હતું. કેટલીક જગ્યાએ દૃશ્યતા ઘટતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.

પ્રાપ્ત અહેવાલો અનુસાર નોઈડાના હવાઈ મથકે છ વિમાની સેવાઓને અસર પહોંચી હતી. તેમાં પાંચ વિમાનો મોડી પડ્યાં હતાં, જ્યારે જયપુરથી આવતી એક વિમાની સેવા રદ કરાઈ હોવાનો અહેવાલ છે.

બીજી તરફ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણની સ્થિતિ પણ ચિંતાજનક બની છે. આજે સવારે દિલ્હીમાં હવાની ગુણવત્તાનો સૂચકાંક ૩૧૯ નોંધાયો હતો. ગાઝિયાબાદમાં આ આંકડો ૩૪૬ અને મેરઠમાં ૩૩૩ સુધી પહોંચ્યો હોવાના અહેવાલ છે.

પ્રદૂષણને કારણે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓને ઘરેથી અથવા શાળામાં હાજર રહી અભ્યાસ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

ગાઝિયાબાદમાં પ્રદૂષણ નિયંત્રણના ભાગરૂપે ૨૦ નવેમ્બર સુધી બાંધકામ પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મૂકાયો છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર પ્રદેશમાં આગામી બે-ત્રણ દિવસ વહેલી સવારે ધુમ્મસ રહી શકે છે. આગામી પાંચ દિવસ વરસાદની સંભાવના ઓછી છે, પરંતુ ત્યારબાદ ઠંડીમાં વધારો થઈ શકે છે.

(10:56 AM IST)