તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Sunday, 12th April 2026
બંગાળના માટુઆ સમુદાયમાં ‘દેશનિકાલ’નો ફફડાટ: મતદાર યાદીમાંથી લાખો નામ ગાયબ
ભાજપના નાગરિકત્વના વચનો વચ્ચે SIR પ્રક્રિયાએ માટુઆ હિન્દુઓને ‘ઘુસણખોર’ સાબિત કર્યા: ઉત્તર 24 પરગણા અને નાદિયા જિલ્લામાં 45% મતદારોના નામ કમી થતા રાજકીય આક્રોશ ફાટી નીકળ્યો

ઠાકુરનગર: શ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 પૂર્વે હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની શુદ્ધિકરણ પ્રક્રિયા (SIR) એ માટુઆ સમુદાયના અસ્તિત્વ સામે મોટો ખતરો ઉભો કર્યો છે. માટુઆઓના ગઢ ગણાતા ઠાકુરનગરમાં આજે સ્થિતિ એવી છે કે જે લોકો દાયકાઓથી અહીં વસે છે, તેમને જ હવે 'ઘુસણખોર' તરીકે ચિતરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચની આ કવાયતને કારણે હજારો પરિવારોમાં વિભાજન જેવી સ્થિતિ સર્જાઈ છે; એક જ ઘરના કેટલાક સભ્યો પાસે મતાધિકાર છે, જ્યારે અન્યના નામ 2002ની યાદી સાથે મેળ ન ખાતા હોવાનું કહીને કાઢી નાખવામાં આવ્યા છે. આ પ્રક્રિયાએ માત્ર મતાધિકાર જ નહીં, પરંતુ સરકારી યોજનાઓ અને ભાવિ રોજગારની તકો પર પણ પ્રશ્નાર્થ ચિન્હ લગાવી દીધું છે.
માટુઆ સમુદાયના નેતાઓ અને પીડિતોનો આક્રોશ અત્યારે સીધો ભારતીય જનતા પાર્ટી પર જોવા મળી રહ્યો છે. નાગરિકત્વ સુધારો કાયદો (CAA) દ્વારા ન્યાય મળવાની આશા રાખતા આ શરણાર્થી હિન્દુઓ માટે હવે તે ‘લોઢાના ચણા’ સમાન સાબિત થઈ રહ્યો છે. સીએએ હેઠળ અરજી કરવા માટે બાંગ્લાદેશના દસ્તાવેજો અને સ્થળાંતર પ્રમાણપત્રોની માંગણી કરવામાં આવે છે, જે મોટાભાગના ગરીબ માટુઆઓ પાસે ઉપલબ્ધ નથી. પરિણામે, જે સમુદાયે 2019 અને 2021માં ભાજપ પર વિશ્વાસ મૂક્યો હતો, તેઓ આજે પોતાને છેતરાયા હોય તેવું અનુભવી રહ્યા છે. ‘ધ એક્ઝાઇલ’ (દેશનિકાલ) શબ્દ અત્યારે આ સમુદાયની કડવી વાસ્તવિકતા બની ગયો છે, જે તેમની ઓળખના મૂળમાં ઘા કરી રહ્યો છે.
રાજકીય નિષ્ણાતોના મતે, આ મતદાર શુદ્ધિકરણ કટોકટી 2026ની ચૂંટણીના સમીકરણો સંપૂર્ણપણે બદલી શકે તેમ છે. ટીએમસીના સાંસદ મમતાબાલા ઠાકુર જેવા નેતાઓ આ મુદ્દાને ‘હિન્દુ શરણાર્થીઓનું અપમાન’ ગણાવીને ભાજપને ઘેરી રહ્યા છે. બીજી તરફ, માટુઆ સમુદાયના યુવાનોમાં હવે ટીએમસી અને ભાજપ બંને પક્ષોથી અલગ થઈને સ્વતંત્ર રાજકીય અસ્તિત્વ માટેનો ગણગણાટ શરૂ થયો છે. નાદિયા અને ઉત્તર 24 પરગણા જેવા સરહદી જિલ્લાઓમાં 45 ટકા જેટલા મતદારોના નામ યાદીમાંથી આઉટ થઈ જવાથી, આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળમાં ઓળખ અને નાગરિકત્વનો આ મુદ્દો જ્વાળામુખીની જેમ ફાટી નીકળે તેવી પૂરેપૂરી શક્યતા છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
