<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

કુદરતી વારસદારોને મિલકતમાંથી વંચિત રાખવાથી વિલ અમાન્‍ય ન બને

સુપ્રિમ કોર્ટનો ચુકાદો

નવી દિલ્‍હી તા.૨૨: વસિયતનામાનો મુખ્‍ય હેતુ વારસાઇના સામાન્‍ય ક્રમમાં ફેરફાર કરવાનો હોય છે તેવું અવલોકન કરીને સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્‍યું હતું કે કુદરતી વારસદારોને વારસામાંથી બહાર રાખવામાં આવ્‍યા હોય તેવા એકમાત્ર કારણસર વસિયતનામાને શંકાસ્‍પદ ગણાવીને અમાન્‍ય ઠેરવી શકાય નહીં.

ન્‍યાયમૂર્તિ ઉજ્જલ ભુયાન અને વિજય બિશ્નોઈની બનેલી ખંડપીઠે સ્‍વર્ગસ્‍થ બી શીના નાયરીના પત્‍ની અને બાળકોએ દાખલ કરેલી અપીલ ફગાવી દીધી હતી. આ અપીલમાં વસિયનામાનાની કાયદેસરતાને પડકારવામાં આવી હતી. વિલમાં મૃતકે કર્ણાટકની પોતાની મિલકતો બહેન લક્ષ્મી નાયરથીના નામે કરી હતી.સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટ, એપિલેટ કોર્ટ અને કર્ણાટક હાઈકોર્ટના એકસરખા ચુકાદાને યથાવત રાખ્‍યા હતાં. આ ચુકાદાઓમાંમાં વિલને સાચું અને માન્‍ય માનવામાં આવ્‍યું હતું.

સર્વોચ્‍ચ અદાલતે જણાવ્‍યું હતું કે માત્ર કુદરતી વારસદારોને બહાર રાખવામાં આવ્‍યા હોવાથી વિલને અમાન્‍ય ઠેરવી શકાય નહીં. ખાસ કરીને જ્‍યારે વિલમાં સ્‍પષ્ટ લખેલું હોય કે વસિયતનામું બનાવવાનારાએ પોતાની પત્‍ની, બાળકો અથવા અન્‍ય સગાઓ સાથે કોઈ અન્‍યાય કર્યો નથી અને મુંબઈમાં રહેતી પત્‍ની અને બાળકોને પૂરતો હિસ્‍સો આપ્‍યો છે. આ મામલામાં ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ બી શીના નાયરિએ મે ૧૯૮૩માં પોતાની નાની બહેનના તરફેણમાં વસિયતનામું બનાવ્‍યું હતું અને તે જ વર્ષે તેમનું અવસાન થયું હતું. તેમની પત્‍ની અને બાળકોએ દાવો કર્યો હતો કે આ દસ્‍તાવેજ બનાવટી છે અને તેમને અન્‍યાયપૂર્વક વારસામાંથી વંચિત રાખવામાં આવ્‍યા છે.

(10:02 AM IST)