તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Sunday, 18th October 2026
જાપાનના ૧૨૦ વર્ષ જૂના ઐતિહાસિક 'કોબે ઇન્ડિયા ક્લબ' ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું પ્રવાસી ગુજરાતીઓ સાથે સંવાદ સત્ર : ગુજરાતના MSME ઉદ્યોગો માટે વૈશ્વિક વેપારી ભાગીદારી વધારવા પર ભાર
જૈન દેરાસરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા બાદ નાયબ મુખ્યમંત્રીએ માત્ર ઔપચારિક મુલાકાતોથી ઉપર ઉઠીને સતત સંવાદ અને મજબૂત બિઝનેસ પાર્ટનરશીપનું માળખું રચવા કરી અપીલ

કોબે, જાપાન : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉપક્રમે જાપાનના પ્રવાસે ગયેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોબે ખાતે વસતા સમૃદ્ધ ગુજરાતી અને ભારતીય સમુદાય સાથે એક વિશેષ બેઠક યોજી હતી. વર્ષ ૧૯૦૪થી અવિરતપણે કાર્યરત અને ૧૨૦ વર્ષનો ભવ્ય તથા ગૌરવશાળી ઇતિહાસ ધરાવતા ઐતિહાસિક ‘કોબે ઇન્ડિયા ક્લબ’ ખાતે આ સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા પૂર્વે તેમણે ક્લબની નજીક આવેલા પવિત્ર જૈન દેરાસરની મુલાકાત લઈને પૂજા-અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
સતત સંવાદ અને વ્યાપારી ભાગીદારી પર વિશેષ ભાર:
ઇન્ડિયા ક્લબ ખાતે ઉપસ્થિત વિશાળ પ્રવાસી સમુદાયને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ગુજરાત અને વિદેશની ધરતી પર વસતા ગુજરાતીઓ વચ્ચેનો સેતુ માત્ર ઔપચારિક સંબંધો પૂરતો મર્યાદિત ન રહેવો જોઈએ. તેમણે ઉપસ્થિત વ્યાપારીઓ અને અગ્રણીઓ સમક્ષ આહવાન કર્યું હતું કે દર બે વર્ષે યોજાતા ડેલિગેશનોના માત્ર સ્વાગત સત્કાર કરવાથી એક ડગલું આગળ વધીને કાયમી ધોરણે સતત સંવાદ જળવાઈ રહે તેવું એક મજબૂત માળખું તૈયાર કરવાની તાતી જરૂરિયાત છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોબે અને સમગ્ર જાપાનમાં વસતા ભારતીય પ્રવાસીઓએ પોતાની વર્ષોની સખત મહેનત અને સમર્પણથી સ્થાનિક સ્તરે જે અનન્ય વિશ્વાસ અને સન્માન અર્જિત કર્યું છે, તેનો મહત્તમ લાભ ગુજરાતના MSME તથા નાના-મોટા ઉદ્યોગોને મળવો જોઈએ. જાપાનમાં સ્થાનિક સ્તરે એવું સક્ષમ પ્લેટફોર્મ વિકસાવવામાં આવે કે જેના દ્વારા ગુજરાતના ઉદ્યોગોને નવા વ્યાપારી ભાગીદારો અને બિઝનેસની સુવર્ણ તકો પ્રાપ્ત થઈ શકે. આ દિશામાં ગુજરાત સરકારનો ઉદ્યોગ વિભાગ તેમજ ભારતીય દૂતાવાસ સંયુક્તપણે સંકલન સાધીને સંપૂર્ણ સહયોગ પૂરો પાડશે, જેથી આગામી દિવસોમાં બંને પક્ષે નક્કર આર્થિક પરિણામો અને દીર્ઘકાલીન ભાગીદારી જોવા મળે.
પ્રવાસી ગુજરાતીઓની સેવાભાવનાની પ્રશંસા:
કાર્યક્રમ દરમિયાન વિદેશી ધરતી પર રહીને પણ પોતાની માતૃભૂમિ અને વતન ગુજરાત સાથે હરહંમેશ અતૂટ ભાવનાથી જોડાયેલા રહેવા બદલ તેમજ સામાજિક ક્ષેત્રે અવિરત યોગદાન આપવા બદલ પ્રવાસી ગુજરાતી પરિવારોની સેવાભાવનાને નાયબ મુખ્યમંત્રીએ મુક્તકંઠે બિરદાવી હતી. આ વિશેષ અવસરે ઉપસ્થિત અગ્રણીઓ અને સમુદાયના સભ્યોએ નાયબ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરીને ગુજરાત સાથેના વેપારી, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ બળ પૂરું પાડવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
