હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટોક્યોમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું જાપાની ઉદ્યોગોને ગુજરાતમાં રોકાણ માટે આહ્વાન : 20 મહત્વપૂર્ણ બેઠકો અને 2 રાઉન્ડટેબલ સંવાદો: સુઝુકી, ટોક્યો ઈલેક્ટ્રોન, જેરા સહિત દિગ્ગજ કંપનીઓ સાથે ચર્ચા, વાઈબ્રન્ટ સમિટમાં આવવા આમંત્રણ
પ્રતિનિધિમંડળે ગુજરાતના વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગલક્ષી નીતિઓ અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંગે માહિતી આપી : ભારત-જાપાન અને ગુજરાત-જાપાન વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા-દ્વિપક્ષીય વેપાર અને રોકાણ પ્રોત્સાહન અંગે ચર્ચા

ગાંધીનગર તા.૨૧ : આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભમાં જાપાનના પ્રવાસે ગયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળના ગુજરાત પ્રતિનિધિમંડળે આજે ટોક્યોમાં જાપાનના સરકારી અગ્રણીઓ અને અગ્રણી ઉદ્યોગગૃહો સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી.
એક જ દિવસમાં ગુજરાત પ્રતિનિધિમંડળે 20 મહત્વપૂર્ણ બેઠકો અને 2 રાઉન્ડટેબલ સંવાદો યોજ્યા હતા. જેમાં જાપાનના વિદેશ રાજ્ય મંત્રી, ઈવાતે પ્રીફેક્ચરના ગવર્નર અને METIના ડાયરેક્ટર જનરલ સાથે ચર્ચા કરી હતી. ઉપરાંત સુઝુકી, જેરા, ટોક્યો ઈલેક્ટ્રોન, સુમિતોમો કેમિકલ, ફુરુકાવા ઈલેક્ટ્રિક, મારુબેની અને લાઈવ નેશન સહિતની કંપનીઓ સાથે બેઠકો યોજી હતી.
સરકારી નેતૃત્વ સાથે સંવાદ જાપાનના વિદેશ મંત્રાલય ખાતે વિદેશ રાજ્ય મંત્રી નાકાસોને યાસુતાકા સાથે બેઠકમાં ભારત-જાપાન અને ગુજરાત-જાપાન વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા ચર્ચા થઈ. ઈવાતે પ્રીફેક્ચરના ગવર્નર તાકુયા તાસો સાથે ઔદ્યોગિક સહયોગ અને ક્ષમતા નિર્માણ અંગે, જ્યારે METIના ડાયરેક્ટર જનરલ તનાકા કાઝુશિગે સાથે દ્વિપક્ષીય વેપાર અને રોકાણ પ્રોત્સાહન અંગે ચર્ચા થઈ.
સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રેસિડેન્ટ તોશિહિરો સુઝુકી સાથે ગુજરાતમાં ઓટોમોબાઈલ વિસ્તરણ, ઈલેક્ટ્રિક વાહનો અને વેન્ડર પાર્ક્સ અંગે ચર્ચા કરાઈ, સાથે વેન્ડર્સ સાથે વિશેષ રાઉન્ડટેબલ યોજાયો.
જેરાના CEO ઈઝુમી કાઈ સાથે સ્વચ્છ ઉર્જા અને ગ્રીન ટ્રાન્ઝિશન, જ્યારે ટોક્યો ઈલેક્ટ્રોનના ચેરમેન તાકેશી ઓકુબો સાથે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ અને ઈક્વિપમેન્ટ સપ્લાય ચેઈનમાં રોકાણ અંગે ચર્ચા થઈ.
સુમિતોમો કેમિકલ, ફુરુકાવા ઈલેક્ટ્રિક, મારુબેની, મોરીરીન લિમિટેડ ઉપરાંત હોન્ડા મોટર, ક્યોવા લેધર, સનરિયો, જેએફઈ સ્ટીલ, ઓત્સુકા ફાર્માસ્યુટિકલ્સ, MUFG બેન્ક અને SMBC સહિતના જૂથો સાથે પણ બેઠકો યોજાઈ હતી.
પ્રતિનિધિમંડળે ગુજરાતના વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગલક્ષી નીતિઓ અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંગે માહિતી આપી તમામ કંપનીઓને ગુજરાતમાં રોકાણ અને આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
