તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
બ્રિક્સ મહેમાનોની થાળીમાં દેશી જાદુઃ મિલેટથી સત્તૂ સુધીનું ખાસ મેનૂ
બ્રિક્સ સમિટ ૨૦૨૬ માટે ધ લીલા પેલેસે વિદેશી મહેમાનો માટે મિલેટ, સત્તૂ, કિનુઆ બિરયાની અને ભારતીય મસાલાથી ભરપૂર ખાસ મેનૂ તૈયાર કર્યું : ઉત્તરથી દક્ષિણ સુધીના સ્વાદ સાથે વેલનેસ ડ્રીંકનો પણ પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવ્યો

નવી દિલ્હી તા.૧૧: બ્રિક્સ સમિટ ૨૦૨૬ માટે દિલ્હીમાં તૈયારીઓ ચાલી રહી છે અને તેમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે વિદેશી મહેમાનોની ડીશને. જેમાં ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે યોજાનારી ૧૮મી બ્રિક્સ સમિટમાં વિશ્વભરના નેતાઓ અને પ્રતિનિધિઓ આવશે. તેમના સ્વાગત માટે નવી દિલ્હીના ધ લીલા પેલેસ હોટેલે એક અનોખું અને દેશી સ્વાદથી ભરપૂર મેનૂ તૈયાર કર્યું છે.
આ અંગે હોટેલના એક્ઝિક્યુટિવ સૂ-શેફે જણાવ્યું કે, આ મેનૂની તૈયારી છેલ્લા બે-ત્રણ મહિનાથી ચાલી રહી હતી. જેમાં દરેક ડેલિગેશનની પસંદ, ડાયેટ અને એલર્જીને ધ્યાનમાં રાખીને અલગ-અલગ મેનૂ બનાવવામાં આવ્યા છે. જેમાં એકસરખું મેનૂ નહીં પણ દરેક મહેમાનની વ્યક્તિગત જરૂરિયાતોને મહત્વ આપવામાં આવ્યું છે. જેથી સ્વાદ સાથે સાથે તેમની હેલ્થનો પણ ખ્યાલ રાખવામાં આવે.
આ અનુભવનું સૌથી આકર્ષક અંગ છે હોટેલનું ભારતીય રેસ્ટોરન્ટ જામાવર. અહીં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતના વિવિધ સ્વાદોને જગ્યા આપવામાં આવી છે. જેમાં વિદેશી મહેમાનોને ભારતની વૈવિધ્યસભર રસોઈનો અનુભવ કરાવવાનો આ મુખ્ય હેતુ છે. જેમાં ભારતીય મસાલા અને પરંપરાગત સામગ્રીનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેની ખાસ વાત એ છે કે આ મેનૂમાં શ્રી અન્ન એટલે કે મિલેટ્સને મહત્વની જગ્યા મળી છે. મિલેટ ઉપમા જેવા વાનગીઓ આધુનિક અંદાજમાં બનાવવામાં આવી રહી છે. તેમજ કિનુઆ બિરયાની પણ મેનૂમાં સામેલ છે. હોટેલની જનરલ મેનેજરે જણાવ્યું કે જાૈ, મિલેટ, જુવાર અને સત્તૂ જેવી પરંપરાગત વસ્તુઓને ભારતીય મસાલા સાથે જોડીને રજૂ કરવામાં આવી છે. જેથી વિદેશી મહેમાનોને ભારતના પરંપરાગત અનાજનો સ્વાદ ચાખવાનો મોકો મળશે.
અહીંયા વેલનેસનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. જેમાં લીલા અમૃત નામનું ખાસ ડ્રીંક તુલસી, આદુ, મધ, લીંબુ અને જીરા સાથે તૈયાર કરવામાં આવ્યું છે. મીઠાઈમાં પણ દેશી ટ્વિસ્ટ છે. જેમાં લોટસ ડેઝર્ટને ગુલાબ અને એલાઈચીના સ્વાદ સાથે બનાવવામાં આવ્યું છે.
બ્રિક્સ સમિટ ૨૦૨૬ને લઇ સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં દિલ્હી પોલીસની ટીમો હોટેલની ટીમ સાથે મળીને સમગ્ર વ્યવસ્થા પર નજર રાખી રહી છે
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
