તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
એક જજ સામે રોજ ૮૦૦ કેસો છતાં રોબોટ જેમ કામની અપેક્ષા રખાય છે
સૌથી વધુ પેન્ડિંગ કેસો ધરાવતી અલ્લાહાબાદ હાઇકોર્ટના જજનો બળાપો : કાર્યભાર વચ્ચે અપાતા કોર્ટોના આદેશ કોઈ એડવાઈઝરી કે કાગળનો ટૂકડો ના સમજવો, તેનું પાલન કરવુ જ પડેઃ હાઈકોર્ટ

નવી દિલ્હી,તા.૩: કોર્ટની અવમાનના સાથે જોડાયેલા એક મામલાની સુનાવણી દરમિયાન અલ્લાહાબાદ હાઇકોર્ટે કોર્ટો પર વધી રહેલા કેસોના ભારણ અંગે ચિતા વ્યક્ત કરી હતી, સાથે જ કહ્યું હતું કે એક જજ સમુક્ષ ક્યારેક રોજના ૮૦૦ કેસો લિસ્ટેડ કરાય છે તેમ છતા લોકો એવી અપેક્ષા રાખે છે કે જજો સુપર રોબોટ કે સુપર કમ્પ્યુટરની જેમ કામ કરે. ઉપરાંત કહ્યું હતું કે બંધારણીય કોર્ટનો આદેશ કોઈ એડવાઇઝરી કે કાગળનો ટૂકડો માત્ર નથી હોતો, તેનું પાલન પણ કરવું પડે.
દેશની તમામ હાઈકોર્ટોમાંથી સૌથી વધુ પેન્ડિંગ કેસો ધરાવતી અલ્લાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ ક્ષિતિજ શૈલેન્દ્રએ જજો પર કેસોના ભારણ અંગે ચિતા વ્યક્ત કરી હતી, તેમણે કહ્યું હતું કે કોર્ટની કાર્યવાહી પૂર્ણ થવામાં સમય લાગતો હોય છે પરંતુ આ દરમિયાન પક્ષકારોને કોર્ટોના આદેશોનું ઉલ્લંઘન કરવાની છૂટ ના આપી શકાય.
ઘણી વખત કોર્ટોમાં એક જ દિવસમાં પ્રત્યેક ન્યાયાધીશ સમક્ષ ૮૦૦થી વધુ કેસો સુનાવણી પર આવતા હોય છે.
ન્યાયિક કાર્યવાહી પૂર્ણ કરવામાં ઘણી વખત સમય લાગી જતો હોય છે, ક્યારેક વર્ષ અથવા દસકનો સમય લાગી જાય છે. તેમ છતા લોકો આવા કાર્યભાર ધરાવતા જજો પાસેથી સુપર કમ્પ્યુટર અથવા સુપર રોબોટ કે સુપરહ્યૂમન બનવાની આશા રાખે છે.
કેસોની લાંબી પ્રક્રિયા દરમિયાન પણ કોર્ટો જે આદેશ આપતી હોય છે તેનું ઉલ્લંઘન ના કરી શકાય. જો કોઈ આવુ કરવા પ્રયાસ કરશે તો કાયદો તેને નહીં ચલાવી લે.
કોર્ટ એક અવમાનના અરજી પર સુનાવણી કરી રહી હતી, એવો આરોપ હતો કે શિક્ષકોના પગાર અંગે આદેશ છતા તેનો અમલ કરવામાં નહોતો આવ્યો. ૨૦૨૨માં આ આદેશ થયો હતો જેનું ગાઝીપુર જિલ્લા શાળા નિરિક્ષકે પાલન ન કરતા હાઈકોર્ટે ઉધડો લીધો હતો, જે દરમિયાન જજો પર કેસોનું ભારણ છે તે અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
