તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
AQI 400 પાર છતાં દિલ્હી ‘ક્લીન એર’ રેન્કિંગમાં શ્રીનગર અને બેંગલુરુથી આગળ! 'સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૬' ના પરિણામોએ બધાને ચોંકાવ્યા
હવા કેટલી શુદ્ધ છે તેના બદલે પ્રદૂષણ રોકવા સરકારે કેવા પગલાં લીધા તેના આધારે અપાયા માર્ક્સ: ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ઔદ્યોગિક નીતિઓના બળે દિલ્હી ૨૧મા ક્રમે જ્યારે લખનૌ નંબર-૧

દિલ્હી : કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા 'નેશનલ ક્લીન એર પ્રોગ્રામ' (NCAP) હેઠળ જારી કરવામાં આવેલા 'સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૬' ના પરિણામોએ સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે. શિયાળામાં ઝેરી સ્મોગ અને ૪૦૦ થી વધુ ખરાબ AQI માટે કુખ્યાત દિલ્હીએ ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા ૪૮ શહેરોની શ્રેણીમાં ૨૧મું સ્થાન મેળવ્યું છે. દિલ્હીને ૧૭૨ પોઈન્ટ મળ્યા છે, જ્યારે કુદરતી રીતે જ અત્યંત સ્વચ્છ અને શુદ્ધ હવા ધરાવતા શ્રીનગર (૨૬મું સ્થાન - ૧૬૨.૬ પોઈન્ટ) અને બેંગલુરુ (૩૨મું સ્થાન - ૧૫૨.૬ પોઈન્ટ) જેવા શહેરો રેન્કિંગમાં દિલ્હીથી પાછળ રહી ગયા છે.
આ રેન્કિંગ ભલે સપાટી પર વિરોધાભાસી લાગે, પરંતુ તેની પાછળનું મુખ્ય કારણ આ સર્વેક્ષણનો વિશેષ માપદંડ છે. 'સ્વચ્છ વાયુ સર્વેક્ષણ' એ માત્ર શહેરની શ્વાસ લેવા યોગ્ય હવાની ગુણવત્તા કે AQI ની સરખામણી નથી. આ સર્વેક્ષણ મુખ્યત્વે એ આધારે કરવામાં આવે છે કે કોઈ શહેર પોતાના વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતા સ્ત્રોતોને નિયંત્રિત કરવા માટે કાગળ પર અને જમીન પર કેટલા નક્કર પગલાં ભરી રહ્યું છે. રસ્તાઓની ધૂળ પર નિયંત્રણ, કચરા વ્યવસ્થાપન, વાહનો-ફેક્ટરીઓના ઉત્સર્જન પર રોક, એન્ટી-સ્મોગ ગનનો ઉપયોગ અને જનજાગૃતિ જેવા મુદ્દાઓ પર દિલ્હીએ કડક નીતિઓ લાગુ કરી હોવાથી તેને વધુ માર્ક્સ મળ્યા છે.
ટોપ પર રહેલું 'લખનૌ' પણ શુદ્ધ હવામાં પાછળ
આ સર્વેક્ષણમાં ઉત્તર પ્રદેશનું લખનૌ ૧૯૮ પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે, ઈન્દોર ૧૯૭ પોઈન્ટ સાથે બીજા અને જબલપુર ૧૯૫ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. લખનૌએ ૧૦૦% કચરા પ્રોસેસિંગ અને ઇલેક્ટ્રિક વાહનોના અમલીકરણમાં બાજી મારીને પ્રથમ પુરસ્કાર જીત્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે લખનૌની સરેરાશ હવા પણ રાષ્ટ્રીય ગુણવત્તા ધોરણો કરતાં ઘણી ખરાબ છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ના જણાવ્યા મુજબ, સર્વેમાં સામેલ ૧૩૦ શહેરોમાંથી ૧૦૮ શહેરોએ ૨૦૧૭-૧૮ ની સરખામણીમાં પોતાના PM10 સ્તરમાં સુધારો કર્યો છે. દિલ્હીનો ૨૧મો ક્રમ એ વાતની સાબિતી નથી કે અહીંની હવા શ્રીનગર કરતાં શુદ્ધ થઈ ગઈ છે, પરંતુ એ સાબિત કરે છે કે પ્રદૂષણ સામે લડવા માટે દિલ્હીનું વહિવટી તંત્ર અન્ય શહેરો કરતાં વધુ સક્રિય છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
