<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

હેલ્થ ઈન્સ્યોરન્સ હોવા છતાં ખિસ્સા પર પડશે મોટો ફટકો: જાણો શું છે ૧૦% 'કો-પેમેન્ટ'નો ખેલ!

૧૦ લાખ રૂપિયાનો વીમો હોવા છતાં હોસ્પિટલના બિલ વખતે કેમ ચૂકવવા પડશે ૧ લાખ રૂપિયા? : પ્રીમિયમમાં બચત સામે સારવાર સમયે ખિસ્સુ ખાલી થવાનો મોટો આંચકો

અમદાવાદ:  હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદતી વખતે મોટાભાગના લોકો માત્ર એક જ બાબત પર ધ્યાન આપે છે  "કવરેજ કેટલું છે અને પ્રીમિયમ કેટલું ભરવાનું છે?" પરંતુ હોસ્પિટલમાં એડમિટ થતી વખતે અસલી આંચકો ત્યારે લાગે છે જ્યારે ખબર પડે કે ઈન્સ્યોરન્સ હોવા છતાં હજારો કે લાખો રૂપિયા પોતાના ખિસ્સામાંથી આપવાના છે. હાલમાં વીમા ક્ષેત્રે રિટેલ હેલ્થ ઈન્સ્યોરન્સમાં ૧૦% 'કો-પેમેન્ટ'  ફરજિયાત કરવા અંગે અંદરખાને મોટી ચર્ચા ચાલી રહી છે. સામાન્ય ભાષામાં કહીએ તો, જો તમારી પાસે ૧૦ લાખ રૂપિયાની પોલિસી હોય અને હોસ્પિટલનું માન્ય બિલ ૧૦ લાખ રૂપિયા આવે, તો વીમા કંપની ૧૦% એટલે કે ૧ લાખ રૂપિયા તમારી પાસે ભરાવશે અને બાકીના ૯ લાખ રૂપિયા જ ચૂકવશે. જો સારવાર ૨૫ લાખ રૂપિયાની થાય, તો તમારે ૨.૫ લાખ રૂપિયા પોતાના ખિસ્સામાંથી કાઢવા પડશે.

કો-પેમેન્ટની શરતનો સૌથી મોટો અને સીધો ફાયદો એ છે કે તેનાથી તમારું વાર્ષિક પોલિસી પ્રીમિયમ સસ્તું થઈ જાય છે. જ્યારે વીમા કંપનીને ખબર હોય કે દર્દી પોતે પણ હોસ્પિટલના ખર્ચનો એક ભાગ ભોગવવાનો છે, ત્યારે કંપનીનું જોખમ ઘટે છે અને તે ગ્રાહકને ઓછા પ્રીમિયમનો લાભ આપે છે. જોકે, આ સસ્તા પ્રીમિયમની પાછળ એક મોટું જોખમ છુપાયેલું છે. આજે પ્રીમિયમમાં થોડા હજાર રૂપિયા બચાવવાના ચક્કરમાં કાલે ઈમરજન્સી વખતે હોસ્પિટલના ટેબલ પર લાખો રૂપિયા રોકડા ચૂકવવાનો વારો આવી શકે છે. ખાસ કરીને ગંભીર બીમારીઓ અથવા મોટી સર્જરી વખતે જ્યારે બિલનો આંકડો મોટો થાય છે, ત્યારે આ ૧૦% રકમ સામાન્ય પરિવારોનું બજેટ ખોરવી નાખવા માટે પૂરતી છે.

આ ઉપરાંત એક બીજી મહત્વની બાબત પણ સમજવી જરૂરી છે કે આ ૧૦% કો-પેમેન્ટ એડજસ્ટેબલ એટલે કે વીમા કંપનીએ સ્વીકારેલી રકમ પર લાગુ થાય છે. હોસ્પિટલના કુલ બિલમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જેને વીમા કંપનીઓ કવર કરતી નથી  એટલે કે રૂમ ભાડાની મર્યાદા , નોન-મેડિકલ ચાર્જીસ અને કો-પેમેન્ટ મળીને ગ્રાહક પર બેવડો આર્થિક બોજ પડે છે. તેથી, નવી પોલિસી લેતી વખતે કે જૂની રિન્યુ કરતી વખતે માત્ર ઓછા પ્રીમિયમ કે મોટા કવરેજના આંકડા જોઈને અંજાઈ જવાને બદલે, પોલિસીની શરતોમાં 'Co-pay', 'Deductible' અને 'Exclusions' જેવા શબ્દો શાંતિથી વાંચી લેવા અત્યંત જરૂરી છે, જેથી મુશ્કેલીના સમયે મોટો આંચકો ન લાગે.

(9:56 PM IST)