<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

વડાપ્રધાન મોદીની અપીલ છતાં IT સેક્ટરમાં 'વર્ક ફ્રોમ હોમ' ફરજિયાત નહીં : સરકારે કંપનીઓને નિર્ણય લેવા માટે આપી સંપૂર્ણ સ્વાયત્તતા

આર્થિક પ્રવૃત્તિઓ અને ઓફિસ કલ્ચરને વેગ આપવા પર સરકારનો ભાર : ટેક કંપનીઓ પોતાની અનુકૂળતા મુજબ કામ કરવાની પદ્ધતિ નક્કી કરી શકશે

નવી દિલ્હી:દેશમાં ઈંધણ બચત અને ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલી અપીલ બાદ એવી અટકળો તેજ થઈ હતી કે IT સેક્ટરમાં ફરી 'વર્ક ફ્રોમ હોમ' (WFH) ફરજિયાત કરવામાં આવશે. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે IT સેક્ટર માટે ઘરેથી કામ કરવું ફરજિયાત બનાવવાની સરકારની હાલ કોઈ યોજના નથી. સરકારનું માનવું છે કે કંપનીઓ પોતાના કર્મચારીઓ અને કામના સ્વરૂપને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાનની અપીલ એક સલાહના સ્વરૂપમાં હતી જેથી કરીને ઈંધણનો બચાવ થઈ શકે અને પર્યાવરણને ફાયદો થાય. પરંતુ, આર્થિક ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા ઓફિસો શરૂ રહે તે પણ જરૂરી છે. ઘણી કંપનીઓ અત્યારે 'હાઇબ્રિડ મોડલ' અપનાવી રહી છે, જેમાં કર્મચારીઓએ અઠવાડિયામાં અમુક દિવસ જ ઓફિસે આવવાનું હોય છે. સરકાર આ પદ્ધતિને પ્રોત્સાહન આપવા માંગે છે પરંતુ તેને કાયદાકીય રીતે ફરજિયાત બનાવવા માંગતી નથી.

IT કંપનીઓના સંગઠનો સાથેની ચર્ચામાં એવું બહાર આવ્યું છે કે સતત વર્ક ફ્રોમ હોમથી પ્રોડક્ટિવિટી અને ટીમ મેનેજમેન્ટમાં પડકારો ઊભા થઈ શકે છે. બીજી તરફ, કર્મચારીઓ ઘરેથી કામ કરવાને કારણે મુસાફરીના ખર્ચ અને સમયની બચત કરી શકે છે. આ બંને પાસાઓને સંતુલિત રાખવા માટે સરકારે કંપનીઓને છૂટ આપી છે કે તેઓ પોતાની રીતે પોલિસી તૈયાર કરે.

આ નિર્ણયથી IT ક્ષેત્રના લાખો કર્મચારીઓ અને મોટી ટેક કંપનીઓને મોટી રાહત મળી છે. સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેઓ ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપી રહ્યા છે પરંતુ ભૌતિક ઓફિસોનું મહત્વ પણ ઓછું કરી શકાય તેમ નથી. આમ, આગામી સમયમાં IT ક્ષેત્રમાં કામ કરવાની પદ્ધતિ સંપૂર્ણપણે જે-તે કંપનીના મેનેજમેન્ટ અને કર્મચારીઓની અનુકૂળતા પર નિર્ભર રહેશે.

(8:13 PM IST)