તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
પશ્ચિમ બંગાળમાં 'ડિટેક્સ, ડિલીટ અને ડિપોર્ટ' નીતિનો મોટો પ્રભાવ: બાંગ્લાદેશી ઘૂસણખોરોમાં ફફડાટ, સરહદ પર વતન પરત ફરવા માટે ભીડ જામી
સરકારની કડક કાર્યવાહી અને માલદામાં નવા હોલ્ડિંગ સેન્ટર્સના નિર્માણ બાદ સરહદી વિસ્તારોમાં હલચલ: હાકિમપુર સરહદે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા

કોલકાતા, તા.26: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ સુવેન્દુ સરકાર દ્વારા અપનાવવામાં આવેલી 'ડિટેક્સ, ડિલીટ અને ડિપોર્ટ' (Detect, Delete and Deport) નીતિની વ્યાપક અસરો હવે જમીની સ્તરે જોવા મળી રહી છે. રાજ્યમાં વર્ષોથી ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા ઘૂસણખોરોમાં સરકારની કડક કાર્યવાહીને પગલે ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જેના પરિણામે, ઉત્તર 24 પરગણાના હાકિમપુર સરહદી વિસ્તારમાં બાંગ્લાદેશ પાછા જવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.
શું છે સરકારની આ કડક નીતિ?
ભાજપ સરકારના આ વલણને કારણે સમગ્ર રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં મોટો બદલાવ આવ્યો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ સ્પષ્ટ કરી દીધું છે કે, નાગરિકતા સંશોધન કાયદા (CAA) ના દાયરામાં ન આવતા કોઈપણ વ્યક્તિને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગણવામાં આવશે અને તેમને સીધા સુરક્ષા દળો (BSF) ને સોંપી દેવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા માટે માલદા ખાતે વિશેષ 'હોલ્ડિંગ સેન્ટર્સ' તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રાખીને તેમને દેશનિકાલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
પશ્ચિમ બંગાળ ભાજપ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સરહદી વિસ્તારોમાં ભીડ એકઠી થઈ છે. ભાજપના મતે, આ એવા લોકો છે જેઓ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં છુપાઈને ગેરકાયદેસર રીતે રહેતા હતા. જેવું સરકારે હોલ્ડિંગ સેન્ટર્સ અને ડિપોર્ટેશનની પ્રક્રિયા તેજ કરી, તેવું જ આ લોકોમાં દેશ છોડીને ભાગવાની ઉતાવળ જોવા મળી રહી છે.
રાજકીય ગરમાવો
આ ઘટનાક્રમે રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. એક તરફ સરકાર પોતાની રાષ્ટ્રીય સુરક્ષાની નીતિ પર મક્કમ છે, તો બીજી તરફ આ મુદ્દો આગામી દિવસોમાં વધુ ચર્ચાઓ જગાવે તેવી શક્યતા છે. સરહદ પરની આ સ્થિતિ એ વાતનો પુરાવો છે કે સરકારની કડક નીતિઓ હવે માત્ર કાગળ પર નથી, પરંતુ તેનું અસરકારક અમલીકરણ શરૂ થઈ ચૂક્યું છે. આ સમગ્ર મામલા પર સુરક્ષા એજન્સીઓ પણ ચાંપતી નજર રાખી રહી છે, જેથી સરહદ પર કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
