તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
યુરોપને દઝાડી હવે પોર્ટુગલ તરફ આગળ વધી રહેલો વિનાશક હીટવેવ: પારો ૪૪ ડિગ્રીએ પહોંચવાની આશંકા, રેડ એલર્ટ જાહેર
લિસ્બન અને સેતુબલ સહિતના દરિયાકાંઠાના વિસ્તારો ભઠ્ઠીની જેમ શેકાશે; આગામી એક સપ્તાહ સુધી અસહ્ય ગરમી અને આકરી રાતોમાંથી મુક્તિ નહીં મળે

લિસ્બન, તા.૦૧: સમગ્ર યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમીના કહેર બાદ, અત્યાર સુધી પ્રમાણમાં બચેલા પોર્ટુગલ પર હવે કુદરતનો પ્રકોપ ત્રાટકવા જઈ રહ્યો છે. દેશની સત્તાવાર હવામાન એજન્સી IPMA દ્વારા આગામી દિવસોમાં આકાશમાંથી અગનગોળા વરસવાની તીવ્ર આગાહીને પગલે દેશના અનેક હિસ્સાઓમાં 'રેડ એલર્ટ' (સર્વોચ્ચ કટોકટી) જાહેર કરી દેવામાં આવી છે.
ઉત્તરી વિસ્તારોમાં પારો ૪૪°C ને પાર થવાની ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દરિયાકાંઠાના પ્રદેશો એવા લિસ્બન અને સેતુબલમાં ગુરુવારથી જ સ્થિતિ ગંભીર બનશે. શુક્રવાર સુધીમાં આ હીટવેવ વધુ ઉત્તરમાં આવેલા લીરિયા અને કોઈમ્બ્રા વિસ્તારોને પોતાની ઝપેટમાં લેશે, જ્યાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જવાની આશંકા છે. આ સિવાય ઇવોરા સહિતના ચાર આંતરિક પ્રદેશોમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે, જ્યાં તાપમાન ૪૧ ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે.
રાત્રે પણ નહીં મળે રાહત: અઠવાડિયા સુધી ચાલશે ટોર્ચર
પોર્ટુગીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સી એન્ડ એટમોસ્ફિયર (IPMA) એ ચિંતાજનક નિવેદન આપતા જણાવ્યું છે કે, આ હીટવેવનું સૌથી ખતરનાક પાસું તેનો સમયગાળો છે. આ આકરી ગરમીનો સિલસિલો ઓછામાં ઓછો એક અઠવાડિયા સુધી સતત ચાલુ રહેશે. સામાન્ય રીતે દરિયાઈ પવનને કારણે ઠંડા રહેતા દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વખતે પવન ગાયબ રહેવાને કારણે ભીષણ બફારો અને ગરમી અનુભવાશે. એટલું જ નહીં, રાત્રિનું તાપમાન પણ ૨૪ થી ૨૮ ડિગ્રી સેલ્સિયસથી નીચે નહીં જાય, જેને કારણે લોકોને રાત્રે પણ અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડશે.
ક્લાઈમેટ ચેન્જનો જીવતો જાગતો પુરાવો
વૈજ્ઞાનિકોના 'વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન ગ્રુપ'ના મતે, ગ્લોબલ વોર્મિંગ અને હવામાન પરિવર્તનના કારણે આ પ્રકારની ભયાનક સ્થિતિ સર્જાઈ રહી છે. તાજેતરમાં જ જર્મની, પોલેન્ડ, ચેક રિપબ્લિક, સ્લોવાકિયા, હંગેરી, યુકે અને સ્વિટ્ઝર્લૅન્ડમાં જૂન મહિનાના તમામ ઐતિહાસિક તાપમાનના રેકોર્ડ તૂટી ગયા છે. ફ્રાન્સે પણ પોતાના ઈતિહાસની સૌથી ગરમ રાતોનો સામનો કર્યો છે. હવે આ ગ્લોબલ ક્રાઈસિસ પોર્ટુગલના બારણે આવીને ઉભી રહી છે, જેથી સ્થાનિક તંત્રએ લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા અને હાઇડ્રેટેડ રહેવા અપીલ કરી છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
