તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 18th October 2026
ગ્વાલિયરમાં શ્રદ્ધાળુઓ પર બેકાબૂ ટ્રક ફરી વળ્યો, 13નાં કરુણ મોત
શીતળા માતાનાં દર્શને આવેલા શ્રદ્ધાળુઓને કચડ્યા; મૃતકોમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ, 32થી વધુ ઘાયલ: અનેકની હાલત ગંભીર

ગ્વાલિયર: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રવિવારે વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ડાંગર ભરેલો બેકાબૂ ટ્રક શીતળા માતાના મંદિરે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ પર ફરી વળ્યો હતો. આ દુર્ઘટનામાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત 13 લોકોનાં કરુણ મોત થયાં છે, જ્યારે 32થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બે પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.
આ અકસ્માત રાત્રે આશરે 1.30 વાગ્યે શીતળા માતા મંદિર તરફ જતા માર્ગ પર સર્જાયો હતો. નવરાત્રિના પર્વને કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા મંદિર તરફ જઈ રહ્યા હતા, જ્યારે કેટલાક લોકો રસ્તાની બાજુમાં ઊભા હતા અથવા આરામ કરી રહ્યા હતા.
બેરિકેડ તોડી ભીડમાં ઘૂસી ગયો ટ્રક
પ્રાથમિક માહિતી પ્રમાણે છિનોર તરફથી ડાંગર ભરીને આવી રહેલો ટ્રક ઢોળાવવાળા રસ્તા પર અચાનક બેકાબૂ બન્યો હતો. ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં ટ્રક પોલીસ બેરિકેડ તોડીને શ્રદ્ધાળુઓની ભીડમાં ઘૂસી ગયો હતો. અનેક શ્રદ્ધાળુઓને કચડ્યા બાદ ટ્રક મંદિરના પ્રવેશદ્વાર અને બહારની દીવાલ સાથે અથડાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે દીવાલનો એક ભાગ ધરાશાયી થયો હતો.
અકસ્મતમાં રસ્તાની બાજુમાં આવેલી પાંચથી છ પ્રસાદની દુકાનોને પણ નુકસાન થયું હતું. અકસ્માત થતાં જ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ, પ્રશાસન અને બચાવ ટુકડીઓએ ઘટનાસ્થળે પહોંચી કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
ઘાયલોને જુદી-જુદી હોસ્પિટલમાં ખસેડાયા
અકસ્મતમાં ઘાયલ થયેલા લોકોને એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો દ્વારા ગ્વાલિયરની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ પાંચથી છ વ્યક્તિઓને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલોમાં ઘાયલોની સીટી સ્કેન, એક્સ-રે સહિતની તપાસ અને સારવાર ચાલી રહી છે.
ટ્રક ઓવરલોડ હોવાનો પ્રત્યક્ષદર્શીનો દાવો
ઘટનાસ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે ટ્રકમાં તેની ક્ષમતા કરતાં વધારે માલ ભરેલો હતો. ટ્રક અચાનક પૂરઝડપે આવ્યો હતો અને શ્રદ્ધાળુઓને બચવાનો સમય પણ મળ્યો નહોતો. પ્રત્યક્ષદર્શીએ કેટલાક લોકોને ઘટનાસ્થળે જ દમ તોડતા જોયા હોવાનું જણાવ્યું હતું.
ગ્વાલિયર પ્રશાસને ટ્રક પોલીસ ચેકપોસ્ટ અને બેરિકેડ પાર કરીને પ્રતિબંધિત માર્ગ પર કેવી રીતે પહોંચ્યો તેની તપાસ શરૂ કરી છે. ટ્રકમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી કે કેમ તે જાણવા માટે આરટીઓની ટીમને પણ તપાસ સોંપવામાં આવી છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
