News of Wednesday, 2nd September 2026
ભક્તો જીવતા વીંછીને હાથે પકડીને ભગવાનને કરે છે અર્પણ
ભકિતમાં ઝેરના પારખાઃ મંદિરમાં ભગવાનને ધરાય છે જીવતા વીંછી

કુર્નૂલ તા.૨: સાપ કે વીંછી જેવા ઝેરી જનાવરનું નામ સાંભળતા જ લોકોના હૃદયના ધબકારા વધી જાય છે. પરંતુ શું તમે ક્યારેય લોકોને કોઈપણ ડર વગર પોતાના હાથથી વીંછી પકડીને તેની પૂજા કરતા જોયા છે? આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે, પરંતુ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના કોડુમુર શહેરમાં આવું જ એક અનોખું લ્લશ્ય જોવા મળે છે. શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે કોનડલારાયુડુ મંદિરમાં ભક્તો આ વિચિત્ર પરંપરા સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે નિભાવે છે.
કુર્નૂલ જિલ્લાના કોડુમુરના ડુંગરાળ વિસ્તારમાં બિરાજમાન કળિયુગના દેવતા વેંકટેશ્વર સ્વામીને સ્થાનિક લોકો ‘કોનડલારાયુડુ' તરીકે પૂજે છે. શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર આવતા જ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો આ ડુંગરાળ વિસ્તારમાં ઉમટી પડે છે. આ દિવસે ભક્તો પથ્થરો નીચેથી મળી આવતા વીંછીને પોતાના હાથથી પકડી લે છે. તેઓ કોઈ પણ પ્રકારના ડર વિના નાના વીંછીને હાથમાં પકડે છે.
આ ભક્તો પકડેલા વીંછીને દોરીથી બાંધીને ખૂબ જ શ્રદ્ધા સાથે મંદિરના ગર્ભગૃહમાં લઈ જાય છે અને ભગવાનને નૈવેદ્ય તરીકે અર્પણ કરે છે. કેટલાક ભક્તો વીંછી દ્વારા ભગવાનનો વિશેષ અભિષેક પણ કરે છે અને પોતાની માનતા પૂર્ણ કરે છે. સ્થાનિક લોકોની એવી દ્રઢ માન્યતા છે કે આ ખાસ પવિત્ર દિવસે હાથથી પકડવામાં આવેલા વીંછી કોઈને નુકસાન પહોંચાડતા નથી.
આ અનોખી પરંપરા સાથે ભક્તોની બીજી પણ એક માન્યતા જોડાયેલી છે. સ્થાનિક વડીલોનું કહેવું છે કે જો પૂજા દરમિયાન કોઈ વ્યક્તિને વીંછી ડંખ મારી લે તો ગભરાવાની જરૂર નથી. ભક્તો માને છે કે ડંખ માર્યા બાદ તરત જ મંદિરના ગર્ભગૃહની ત્રણ પરિક્રમા કરવાથી વીંછીના ઝેરની અસર સંપૂર્ણપણે દૂર થઈ જાય છે અને દુખાવો પણ મટી જાય છે. આ માન્યતાને કારણે ભક્તો કોઈપણ ખચકાટ વિના આ જોખમી પરંપરામાં ભાગ લે છે.
કોનડલારાયુડુ મંદિરમાં યોજાતા આ દુર્લભ ઉત્સવ દરમિયાન કોડુમુરના ડુંગરાળ વિસ્તાર ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. ભક્તોની ભારે ભીડથી સમગ્ર વિસ્તાર ભક્તિના રંગે રંગાઈ જાય છે. આધુનિક વિજ્ઞાનના યુગમાં પણ વર્ષોથી ચાલી આવતી વીંછીની આ અનોખી પૂજા આજે પણ કોડુમુરની ખાસ ઓળખ બની રહી છે
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
