તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજની તબિયત લથડતાં ભક્તોમાં ચિંતા : રાત્રિ પદયાત્રા અને ખાનગી દર્શન અનિશ્ચિત સમય માટે સ્થગિત
છેલ્લા ૨૧ વર્ષથી કિડનીની ગંભીર બીમારીથી પીડાતા મહારાજજીની હાલત નાજુક હોવાથી ડોક્ટરોએ આરામની સલાહ આપી : વહેલી સવારે ૩ વાગ્યે દર્શન માટે ઉમટેલા હજારો શ્રદ્ધાળુઓ નિરાશ થઈ પરત ફર્યા

વૃંદાવન: ઉત્તર પ્રદેશના વૃંદાવનના વિશ્વવિખ્યાત સંત પ્રેમાનંદ મહારાજની તબિયત અચાનક વધુ બગડી જતાં દેશ-વિદેશમાં વસતા લાખો ભક્તોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. મહારાજજીની તબિયત નાજુક હોવાની માહિતી મળતા જ આશ્રમ વહીવટીતંત્ર દ્વારા તેમની રોજિંદી રાત્રિ પદયાત્રા અને ખાનગી મુલાકાતો અનિશ્ચિત સમય માટે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અણધારી જાહેરાતને પગલે કાન્હાનગરીમાં દર્શનાર્થે આવેલા હજારો શ્રદ્ધાળુઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે.
લાઉડસ્પીકર પર જાહેરાત થતાં જ ભક્તો સ્તબ્ધ:
હંમેશની પરંપરા મુજબ રવિવારે મધરાતે મહારાજજીના દર્શન કરવા અને તેમની પદયાત્રાની એક ઝલક મેળવવા માટે દેશભરમાંથી ૨૦,૦૦૦ થી વધુ ભક્તો રસ્તાની બંને બાજુએ કતારબદ્ધ ઊભા હતા. ભક્તો એવી આશા રાખતા હતા કે મહારાજજી સવારે ૩ વાગ્યે પદયાત્રા માટે નીકળશે. જોકે, નિર્ધારિત સમયે મહારાજજીના સ્થાને આશ્રમના શિષ્યો લાઉડસ્પીકર સાથે રસ્તા પર આવ્યા હતા. તેમણે જાહેરાત કરી હતી કે મહારાજજીની તબિયત સારી ન હોવાથી ડોક્ટરોની કડક સૂચના બાદ આજની પદયાત્રા રદ કરવામાં આવી છે. આ સાથે જ આશ્રમ પ્રશાસને શ્રદ્ધાળુઓને રસ્તા પર ભીડ ન કરવા અને પોતપોતાના સ્થાને પરત ફરવા વિનંતી કરી હતી, જેથી હજારો ભક્તોને દર્શન કર્યા વિના જ ભારે હૈયે પાછા ફરવું પડ્યું હતું.
૨૧ વર્ષથી કિડનીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે:
કેલી કુંજ આશ્રમ દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે સંત પ્રેમાનંદ મહારાજ છેલ્લા ૨૧ વર્ષથી કિડની સંબંધિત ગંભીર સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. આટલી ગંભીર શારીરિક વ્યાધિ હોવા છતાં તેઓ અત્યાર સુધી દરરોજ રાત્રે ૩ વાગ્યે કેલી કુંજ આશ્રમથી સૌભારી વન સુધી દોઢ કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપતા હતા. સામાન્ય દિવસોમાં તેમના દર્શન માટે રોજ હજારો અને શનિ-રવિ કે તહેવારોના દિવસોમાં લાખોની સંખ્યામાં માનવમેદરામણ ઉમટે છે.
ધોરણ ૮ સુધીનો અભ્યાસ અને ૧૩ વર્ષની ઉંમરે ગૃહત્યાગ:
પ્રેમાનંદ મહારાજનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના નરવાલ તહસીલના અખરી ગામમાં કાન્યકુબ્જ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ શંભુ નારાયણ પાંડે અને માતાનું નામ રમા દેવી છે. ત્રણ ભાઈઓમાં મધ્યમ સંતાન એવા મહારાજજીનું બાળપણનું નામ અનિરુદ્ધ કુમાર પાંડે હતું. ધોરણ ૮ સુધીનો અભ્યાસ કરનાર અનિરુદ્ધનો ઝુકાવ બાળપણથી જ આધ્યાત્મિકતા તરફ હતો. બાળપણમાં મિત્રો સાથે મળીને શિવ મંદિર માટે એક મંચ બનાવતી વખતે ગામમાં થયેલા વિરોધથી નારાજ થઈને તેમણે માત્ર ૧૩ વર્ષની નાની ઉંમરે ઘર છોડી દીધું હતું.
આવી રીતે બન્યા રાધાવલ્લભી સંત:
ગૃહત્યાગ બાદ વૃંદાવન આવ્યા પછી તેઓ રોજ બાંકે બિહારીજીના દર્શન કરવા લાગ્યા અને શ્રી કૃષ્ણ ભક્તિના રંગે રંગાયા. આ દરમિયાન એક દિવસ તેમણે એક સંતના મુખેથી 'શ્રી રાધારસુધાનિધિ'નો એક પરમ પવિત્ર શ્લોક સાંભળ્યો, પરંતુ તેઓ તેનો ગૂઢ અર્થ સમજી શક્યા નહોતા. ત્યારબાદ ફરી એકવાર એક મિત્રને આ જ શ્લોક ગાતા સાંભળી તેમણે તેનો અર્થ પૂછ્યો ત્યારે મિત્રએ જણાવ્યું કે આ રસને સમજવા માટે 'રાધાવલ્લભી' સંપ્રદાયમાં દીક્ષિત થવું અનિવાર્ય છે. આ દૈવી સંકેત મળતા જ તેમણે રાધાવલ્લભી સંપ્રદાયનો સ્વીકાર કર્યો અને પૂર્ણતઃ રાધાવલ્લભી સંત બનીને રાધાનામની ભક્તિનો પ્રચાર શરૂ કર્યો હતો. હાલમાં આશ્રમ અને તબીબોની ટીમ દ્વારા તેમની તબિયત પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
