<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

ડાયલ-૧૧૨ ના કોન્સ્ટેબલે લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી બાદમાં મોઢું ફેરવ્યું: પીડિતાએ FIR નોંધાવી ચોંકાવનારા આરોપો લગાવ્યા!

લખનૌમાં ૧૫ લાખ રૂપિયા પડાવી લેવા અને ગર્ભપાત કરાવવા દબાણ કરવાનો આરોપ: મહિલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સામે પણ પૈસા લઈને સમાધાન કરાવવાનો દાવો

લખનૌ, તા.૧૬: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી ખાખી વર્ધિને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસની ડાયલ-૧૧૨ સેવા હેઠળ ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ સામે પ્રેમ સંબંધમાં ફસાવી, લગ્નની ખોટી લાલચ આપી બળાત્કાર ગુજારવા અને ગર્ભવતી બનતાં જ લગ્ન કરવાનો ઇનકાર કરી ગર્ભપાત કરાવવા દબાણ કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. પીડિત મહિલાએ કોન્સ્ટેબલ સામે પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.

 

ફેસબુકથી શરૂ થઈ પ્રેમકહાની, હોટેલ અને ભાડાના રૂમમાં બાંધ્યા શારીરિક સંબંધો

 

પીડિતાના જણાવ્યા મુજબ, જૂન ૨૦૨૫ માં ફેસબુક દ્વારા તેની મુલાકાત કોન્સ્ટેબલ સાથે થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ અને વાતચીત વધી હતી. જુલાઈ ૨૦૨૫ માં કોન્સ્ટેબલે તેને મુરાદાબાદની એક હોટેલમાં મળવા બોલાવી હતી, જ્યાં તેણે પ્રથમ વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારપછી કોન્સ્ટેબલ મહિલાને પોતાના ગામથી લખનૌ લઈ આવ્યો હતો અને BKT વિસ્તારમાં ભાડાના રૂમમાં સાથે રહેવા લાગ્યા હતા. આ દરમિયાન ઘર અપાવવાના નામે કોન્સ્ટેબલે મહિલા પાસેથી ₹૧૫ લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા.

 

ગર્ભવતી થતાં જ બદલાયું વલણ, રૂ. ૧૫ લાખ પરત કરવાનો પણ ઇનકાર

 

મહિલા જ્યારે ગર્ભવતી થઈ ત્યારે તેમની વચ્ચે ભારે વિવાદ શરૂ થયો હતો. ગર્ભવતી બન્યા પછી કોન્સ્ટેબલે તેની સાથે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને ગર્ભપાત કરાવવા માટે માનસિક તથા શારીરિક દબાણ કરવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત, મહિલાએ પોતાના ₹૧૫ લાખ રૂપિયા પાછા માંગતાં કોન્સ્ટેબલે તે રકમ પરત આપવાની પણ ના પાડી દીધી હતી.

 

પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પર સમાધાન કરાવવા માટે પૈસા લેવાનો આરોપ

 

પીડિત મહિલાનો આરોપ છે કે તેણે ૧ સપ્ટેમ્બરના રોજ BKT પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, પરંતુ સ્ટેશન ઈન્ચાર્જે ફરિયાદ લેવાનો જ ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ ૧૧ સપ્ટેમ્બરના રોજ તેણે મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. મહિલાએ મહિલા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, અધિકારીએ કોન્સ્ટેબલ પાસેથી પૈસા લઈને કેસ દબાવવાનો પ્રયાસ કર્યો અને તેના પર ગર્ભપાત કરાવી કેસ રફા-દફા કરવા દબાણ કર્યું હતું.

 

હાલમાં સોશિયલ મીડિયા પર કોન્સ્ટેબલ અને મહિલાના કેટલાક અંતરંગ ફોટોગ્રાફ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. BKT ઈન્સ્પેક્ટર સંજય કુમાર સિંહે જણાવ્યું છે કે મહિલાની લેખિત ફરિયાદ આધારે કેસ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે અને વાયરલ ફોટોગ્રાફ્સની સત્યતા ચકાસવામાં આવી રહી છે.

 

(6:10 PM IST)