<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

ટ્રેન મોડી પડવાથી બીજી ટ્રેન છૂટી ગઈ? તો ગભરાશો નહીં: ભારતીય રેલવે આપશે ટિકિટનું પૂરેપૂરું રિફંડ, જાણો 'કનેક્ટિંગ જર્ની'નો મહત્વનો નિયમ

પ્રથમ ટ્રેનમાં વિલંબ થવાને કારણે મુસાફરી રદ થાય તો મુસાફરોને આર્થિક નુકસાન નહીં થાય; IRCTC ટિકિટ બુકિંગ વખતે આ વિકલ્પ પસંદ કરવો રહેશે ફરજિયાત

નવી દિલ્હી : લાંબા અંતરની મુસાફરી માટે ભારતીય રેલવે હંમેશાં મુસાફરોની પહેલી પસંદ રહી છે, કારણ કે તે બજેટ-ફ્રેન્ડલી હોવા સાથે આરામદાયક પણ હોય છે. પરંતુ ઘણીવાર પ્રથમ ટ્રેન મોડી પડવાને કારણે મુસાફરોની કનેક્ટિંગ ટ્રેન (બીજી ટ્રેન) છૂટી જતી હોય છે, જેનાથી મુસાફરો ભારે અસુવિધા અને આર્થિક નુકસાનનો સામનો કરતા હોય છે. જોકે, ભારતીય રેલવેના ખાસ નિયમો અનુસાર, હવે આવી સ્થિતિમાં તમારા પૈસા ડૂબશે નહીં અને તમને ટિકિટનું રિફંડ મળી શકે છે.

 

IRCTC અને ભારતીય રેલવેના નિયમો મુજબ, જો કોઈ મુસાફરે બે અલગ-અલગ ટ્રેનોમાં 'કનેક્ટિંગ જર્ની' (Connecting Journey) માટે ટિકિટ બુક કરાવી હોય અને પહેલી ટ્રેન મોડી પડવાના કારણે બીજી ટ્રેન ચૂકી જવાય, તો મુસાફર બીજી ટ્રેનની ટિકિટનું સંપૂર્ણ રિફંડ મેળવવા માટે હકદાર બને છે.

 

રિફંડ મેળવવા માટે ટિકિટ બુકિંગ વખતે આ બાબતનું રાખો ધ્યાન

 

રેલવેના નિયમો અનુસાર આ સુવિધાનો લાભ લેવા માટે મુસાફરોએ ટિકિટ બુક કરતી વખતે જ બંને ટિકિટોને એકબીજા સાથે લિંક કરવી જરૂરી છે. ઓનલાઈન ટિકિટ બુકિંગ દરમિયાન IRCTC પોર્ટલ પર 'Connecting Journey' નો વિકલ્પ મળે છે, જેમાં પહેલી ટિકિટનો PNR નંબર બીજી ટિકિટ બુક કરતી વખતે એન્ટર કરવાનો રહે છે.

 

જો બંને ટિકિટ લિંક થયેલી હશે અને પ્રથમ ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં મોડી પહોંચવાને કારણે બીજી ટ્રેન છૂટી જશે, તો મુસાફર TDR (Ticket Deposit Receipt) ફાઈલ કરીને કોઈ પણ કેન્સલેશન ચાર્જ ચૂકવ્યા વિના પૂરેપૂરી રકમનું રિફંડ મેળવી શકે છે. આ નિયમની જાણકારી હોવાથી મુસાફરો અચાનક થતા આર્થિક નુકસાનથી બચી શકે છે.

 

(7:40 PM IST)