<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

શું તમે જાણો છો હિમાચલને‘ભારતનું ઊંઘતું રાજ્‍ય' કહેવામાં આવે છે

આખી દુનિયામાં ‘સ્‍લીપિંગ સ્‍ટેટ ઓફ ઇન્‍ડિયા'ના નામથી ફેમસ : અહીં સાંજ પડતાં જ લોકો દુકાનો અને કામકાજ બંધ કરી ઘરે ઊંઘવા પહોંચી જાય છે

નવી દિલ્‍હી,તા.૪: શું તમે જાણો છો કે ભારતના એક રાજ્‍યને 'સ્‍લીપિગ સ્‍ટેટ ઓફ ઇન્‍ડિયા' (ભારતનું ઊંઘતું રાજ્‍ય) તરીકે ઓળખવામાં આવે છે? આ રાજ્‍યની જીવનશૈલી અન્‍ય સ્‍થળો કરતાં અલગ છે. અહીં સાંજ પડતાં જ રસ્‍તાઓ પર અવરજવર ઓછી થવા લાગે છે અને બજારોમાં પણ ધીમે ધીમે શાંતિ છવાઈ જાય છે. અહીંના લોકો પ્રકૃતિની નજીક રહીને શાંતિપૂર્ણ જીવન જીવવાનું પસંદ કરે છે. પહાડો, નદીઓ, જંગલો અને સ્‍વચ્‍છ હવા આ રાજ્‍યના વાતાવરણને ખાસ બનાવે છે. તો જાણીએ કયા રાજ્‍યને આ નામથી ઓળખવામાં આવે છે અને તેની પાછળનું કારણ શું છે.

હકીકતમાં, હિમાચલ પ્રદેશને 'સ્‍લીપિગ સ્‍ટેટ ઓફ ઇન્‍ડિયા' કહેવામાં આવે છે. આ નામ પાછળ અહીંની શાંત અને ધીમી જીવનશૈલીને કારણ માનવામાં આવે છે. રાજ્‍યનાં ઘણાં ગામોમાં લોકો વહેલી સવારે ઊઠે છે અને સૂર્યાસ્‍ત પછી આરામ કરવાનું પસંદ કરે છે. સાંજ પડતાં જ બજારો અને રસ્‍તાઓ પર અવરજવર ઓછી થવા લાગે છે અને લોકો ઊંઘવા માટે ઘરે પહોંચી જાય છે. રાત્રિના સમયે અહીંના અનેક વિસ્‍તારો સૂમસામ થઈ જાય છે.

પ્રકૃતિની નજીક છે અહીંના લોકોનું જીવન - હિમાચલ પ્રદેશના લોકોનું જીવન ઘણી હદ સુધી પ્રકૃતિ સાથે જોડાયેલું છે. પહાડો, નદીઓ, જંગલો અને સ્‍વચ્‍છ હવા અહીંના વાતાવરણને ખાસ બનાવે છે. રાજ્‍યનાં ઘણાં ગ્રામીણ વિસ્‍તારોમાં લોકો ખેતી, બાગાયત અને સ્‍થાનિક વ્‍યવસાય સાથે જોડાયેલા છે. અહીંની દિનચર્યા હવામાન અને આસપાસના કુદરતી વાતાવરણ પ્રમાણે પણ ચાલે છે. જોકે, 'સ્‍લીપિગ સ્‍ટેટ ઓફ ઇન્‍ડિયા' કોઈ સત્તાવાર સરકારી ઉપાધિ નથી. હિમાચલ પ્રદેશની શાંત જીવનશૈલી દર્શાવવા માટે આ નામનો લોકપ્રિય રીતે ઉપયોગ થાય છે

ફરવા માટે છે અનેક સુંદર સ્‍થળો - શહેરોની ભીડ અને ઘોંઘાટથી દૂર રહેવા માગતા લોકો અહીં થોડા દિવસો વિતાવવા આવે છે. હિમાચલ પ્રદેશમાં ફરવા માટે અનેક સુંદર સ્‍થળો છે. ચિતકુલ તેની કુદરતી સુંદરતા અને શાંત વાતાવરણ માટે જાણીતું છે. કલ્‍પામાં બરફથી ઢંકાયેલા પહાડોનો સુંદર નજારો જોવા મળે છે. જ્‍યારે તીર્થન વેલી જંગલો, નદી અને પ્રકૃતિની નજીક સમય પસાર કરવાની તક માટે જાણીતી છે. આ ઉપરાંત, સ્‍પીતિ વેલી પણ હિમાચલ પ્રદેશના ખાસ પ્રવાસન સ્‍થળોમાં સામેલ છે. અહીં ઊંચા પહાડો, દૂર સુધી ફેલાયેલા ઠંડા રણ જેવા નજારા અને શાંત વસાહતો જોવા મળે છે.

(10:01 AM IST)