તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 11th September 2026
રોજના હિસાબ રજૂ કરવાના નિયમથી ઓડિટ સાથેનું રિટર્ન ભરવામાં મુશ્કેલી
રિટર્ન ભરવાના ફોર્મેટમાં સુધારો કરી મુદત એક મહિનો લંબાવવા માંગણી

મુંબઈ,તા.૧૧: પાંચ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનારે ઓડિટ સાથેનું આઈટી રિટર્ન ભરવાનો નિયમ છે. જોકે ચાલુ વર્ષે ઓડિટ રિટર્નમાં રજૂ કરવામાં આવનારી વિગતોના ફોર્મેટમાં ફેરફાર કરવાના કારણે વેપારીઓની સાથે સાથે ટેક્સ કન્સલ્ટન્ટ, એકાઉન્ટન્ટ અને સીએએ પણ ભારે પરેશાની વેઠવી પડી રહી છે. કારણ કે રિટર્નમાં રોજેરોજનો હિસાબ કિતાબ રજૂ કરવા માટે જણાવ્યું છે. તેમાં પણ ૧૮૦ દિવસમાં કોના પેમેન્ટ આવ્યા અને કોના નહીં આવ્યા તે વિગતો પણ દર્શાવવામાં વેપારીઓને લાંબો સમય થઈ જાય છે. જેના લીધે રિટર્ન ભરવા માટે પૂરતો સમય મળી રહેવાનો નહીં હોવાનું જણાવીને મુદતમાં એક મહિનાનો વધારો કરવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે.
ઓડિટ સાથેના રિટર્નમાં નવા રિપોર્ટિગ ફોર્મેટ અને જાટિલ નિયમોને ધ્યાનમાં રાખીને સરકારે ઓડિટની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬થી વધારીને ઓછામાં ઓછો એક મહિનો લંબાવવાની માંગણી ઉઠી રહી છે. તે માટેનું કારણ એવું છે કે ૫ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે બે વર્ષના નાણાકીય આંકડા વર્ટિકલ ફોર્મેટમાં વિગતવાર રજૂ કરવાના હોવાથી વર્કલોડ ખૂબ વધી ગયો છે. નાના વેપારીઓ માટે આ ફોર્મેટ સમજવું મુશ્કેલ છે, જ્યારે જૂના ફોર્મેટમાં વેપારીઓને કોઈ સમસ્યા આવતી નહોતી. ઓડિટ રિપોર્ટમાં ગ્રાહકોની બાકી રકમને ૧૮૦ દિવસ સુધી અને ૧૮૦ દિવસથી વધુના સમયગાળામાં અલગ-અલગ દર્શાવવી પડે છે. વધુ ગ્રાહકો અને દૈનિક વ્યવહારો ધરાવતા વેપારીઓ માટે આ ડેટા તૈયાર કરવામાં ઘણો સમય વેડફાઈ રહ્યો છે. એમએસએમઈ અને તે સિવાયનાઓની વિગતો એલગ અલગ આપવાનો નિયમ લાવવામાં આવ્યો છે. નિયત સમયમાં પેમેન્ટ ન થાય તો તે રકમ આવકમાં ઉમેરાઈ જવાની જોગવાઈ હોવાથી દરેક ટ્રાન્ઝેક્શનની વિગતો રજૂ કરવાની હોય છે. આ કારણોસર વેપારીઓને રિટર્ન ભરવામાં તકલીફ પડી રહી છે. આ તમામ બાબતોને ધ્યાને રાખીને મુદતમાં એક મહિનાનો વધારો કરવામાં આવવો જોઈએ અથવા તો જૂના ફોર્મેટ પ્રમાણે ઓડિટ રિટર્ન ભરવાની છૂટ આપવામાં આવવી જોઈએ.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
