News of Friday, 24th April 2026
ડિજિટલ એરેસ્ટઃ રિઝર્વ બેન્કે ૫ બેન્ક પર પેનલ્ટી લગાવી
રૂ.૨૨.૯ કરોડ ગુમાવનારા દિલ્હીના વૃદ્ધને વળતર પેટે ૧.૩૧ કરોડ મળશે

મુંબઇ,તા.૨૪: ડિજિટલ એરેસ્ટનો ભોગ બનેલા પીડિતની તરફેણમાં ઐતિહાસિક નિર્ણય લેતાં રિઝર્વ બેન્કે પાંચ બેન્કોને પેનલ્ટી ફટકારી છે. ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ અંતર્ગત રીઝર્વ બેન્કે પાંચ બેન્કોને ઠગાઈના ૫% અને ૭.૫% રકમ પીડિતને ચૂકવવા નિર્દેશ આપ્યા છે. આ પાંચ બેન્કમાં મ્યુલ ખાતા ખોલવામાં આવ્યા હતા અને તેના થકી છેતરપિડીના નાણા સગેવગે કરવામાં આવ્યા હતા.
આ પાંચ બેન્કમાં એક્સિસ બેન્ક, સિટી યુનિયન બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક અને યસ બેન્કનો સમાવેશ થાય છે. ૨૫ ફેબ્રુઆરીના રોજ અપાયેલા હુકમમાં નવી દિલ્હી સ્થિતિ રીઝર્વ બેન્ક ઓમ્બડ્સમેને બેંકોને સંયુક્ત રીતે રૂ.૧.૩૧ કરોડ પીડિતને ચૂકવવા જણાવ્યું હતું. કેસની વિગતો મુજબ, દિલ્હી ખાતે રહેતા નિવૃત્ત બેન્ક કર્મચારી ૭૮ વર્ષીય નરેશ મલહોત્રા સાથે ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ડિજિટલ ફ્રોડ થયુ હતું. જેમાં તેમણે રૂ.૨૨.૯૨ કરોડ ગુમાવ્યા હતા. માર્ચ મહિનાના અંત સુધીમાં આ કેસની તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરાઈ હતી. પીડિત સાથે ઠગાઈની શરૂઆત એક કોલ સાથે થઈ હતી.
મુંબઈ પોલીસના અધિકારી હોવાનો દાવો કરનારે તેમના પર નાર્કોટિક્સ કેસમાં સાંઠગાંઠના આરોપ લગાવ્યા હતા. અઠવાડિયાઓ સુધી તેમને ડિજિટલ એરેસ્ટ હેઠળ રાખવામાં આવ્યા હતા. તેમણે ૪,૨૩૬ વ્યવહારો થકી ૪૭ બેન્કના ૮૧૧ મ્યુલ ખાતામાં નાણા ટ્રાન્સફર કર્યા હતા.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
