તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
ડિજિટલ ઇન્ડિયાનો નવો 'સિગ્નલ જામ': મેટ્રો અને નમો ભારતમાં મુસાફરી દરમિયાન કોલ ડ્રોપ અને ફેલ થતા UPI પેમેન્ટે વધારી લોકોની મુશ્કેલી
TRAI નો ચોંકાવનારો ખુલાસો : અવિરત નેટવર્ક કનેક્ટિવિટી મેળવવી એ હજુ પણ એક લોઢાના ચણા ચાવવા જેવો મોટો પડકાર

નવી દિલ્હી: આજના હાઇટેક યુગમાં ભારતીય શહેરોના મુસાફરો માટે મોબાઇલ ફોન માત્ર વાતચીતનું સાધન નથી રહ્યો, પરંતુ તે આખી ઓફિસ, બેંક એકાઉન્ટ અને મનોરંજનનું કેન્દ્ર બની ગયો છે. જો કે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) ના તાજેતરના અહેવાલે ડિજિટલ ઇન્ડિયાના દાવાઓ વચ્ચે એક મોટો આંચકો આપ્યો છે. રિપોર્ટ અનુસાર, દિલ્હી-NCR મેટ્રો અને નમો ભારત જેવા હાઇ-સ્પીડ રેલ કોરિડોરમાં મુસાફરી કરતી વખતે અવિરત નેટવર્ક કનેક્ટિવિટી મેળવવી એ હજુ પણ એક લોઢાના ચણા ચાવવા જેવો મોટો પડકાર છે. રિલાયન્સ જિયો ડાઉનલોડ સ્પીડમાં અને એરટેલ અપલોડ સ્પીડમાં ભલે આગળ હોવાના દાવા કરે, પરંતુ વાસ્તવિકતા એ છે કે મુસાફરી શરૂ થતાં જ નેટવર્ક ગાયબ થઈ જાય છે. પરિણામે, કોલ ડ્રોપ, અટકી જતું વીડિયો બફરિંગ અને નિષ્ફળ થતા UPI પેમેન્ટ્સ હવે ડિજિટલ ઇન્ડિયાના નવા 'ટ્રાફિક જામ' બનીને કરોડો મુસાફરોની મુશ્કેલી વધારી રહ્યા છે.
સામાન્ય રીતે લોકોને આશા હતી કે 5G ટેકનોલોજીના આગમન સાથે જ બધી નેટવર્ક સમસ્યાઓનો અંત આવી જશે, પરંતુ ભૂગર્ભ સ્ટેશનો અને બંધ ટનલ આ આશા પર પાણી ફેરવી રહ્યા છે. મેટ્રો સ્ટેશનોની જાડી કોંક્રિટની દિવાલો, વિશાળ લોખંડના માળખા અને લાંબી ટનલ રેડિયો સિગ્નલોને અંદર પ્રવેશતા અટકાવે છે અથવા નબળા પાડી દે છે. આ ઉપરાંત, જ્યારે ટ્રેનો ખૂબ જ ઊંચી ઝડપે દોડે છે, ત્યારે મોબાઇલ ફોનને સેકન્ડોના ભાગમાં સતત એક નેટવર્ક ઝોનમાંથી બીજા ઝોનમાં શિફ્ટ થવું પડે છે, જેને ટેકનિકલ ભાષામાં 'હેન્ડઓવર' કહેવામાં આવે છે. નમો ભારત જેવી સેમી-હાઇ-સ્પીડ ટ્રેનોની ગતિ એટલી વધારે હોય છે કે મોબાઇલ હેન્ડસેટ સિગ્નલ પકડવામાં નિષ્ફળ જાય છે, જેના લીધે ચાલુ ઓફિસ વર્ક કે ઓનલાઇન મીટિંગ પળવારમાં ડિસ્કનેક્ટ થઈ જાય છે.
આ ડિજિટલ કટોકટી માત્ર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પૂરતી મીત નથી, પરંતુ દેશભરના તમામ અગ્રણી મેટ્રો શહેરોમાં આ જ હાલત છે. મુંબઈની લોકલ ટ્રેનોમાં પીક અર્સ દરમિયાન ભારે ભીડને કારણે નેટવર્ક કન્જેશનની ફરિયાદો રોજિંદી બની ગઈ છે, તો બીજી તરફ આઈટી હબ બેંગલુરુના વિસ્તરી રહેલા મેટ્રો રૂટ્સ પર ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેટલી ઝડપે અપગ્રેડ થઈ રહ્યું નથી. હૈદરાબાદ, ચેન્નાઈ અને કોલકાતાની અંડરગ્રાઉન્ડ લાઈનોમાં પણ મુસાફરો નબળા સિગ્નલથી પરેશાન છે, જે દર્શાવે છે કે આપણા શહેરી પરિવહન આયોજનમાં ટેલિકોમ પ્લાનિંગનો મોટો અભાવ છે. આ સમસ્યાના ઉકેલ માટે હવે લંડન અને સિંગાપોરની જેમ મોટા ટાવર્સને બદલે નાના નાના રેડિયો યુનિટ્સ (સ્મોલ સેલ ટેકનોલોજી) મેટ્રો સ્ટેશનો પર લગાવવાના પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયા છે. હવે સમય આવી ગયો છે કે સરકારે ડિજિટલ કનેક્ટિવિટીને માત્ર લક્ઝરી સુવિધા નહીં, પરંતુ વીજળી અને પાણી જેવી મૂળભૂત જરૂરિયાત ગણીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું પડશે.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
