<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

અમેરિકાના સિએટલમાં દિવાળીની ઉજવણીમાં ખલેલ: જમણેરી કાર્યકરો દ્વારા હિન્દુઓ પર નસ્લભેદી ટિપ્પણી અને હોબાળો

પ્રમિલા જયપાલ સહિતના દિગ્ગજ નેતાઓએ ઘટનાની કરી સખત નિંદા, ભારતીય સમુદાયે તમામ વિરોધ છતાં ઉત્સાહપૂર્વક મનાવ્યો તહેવાર

સિએટલ : વિશ્વભરમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉત્સાહભેર ઉજવણી ચાલી રહી છે ત્યારે અમેરિકાના સિએટલ શહેરમાંથી એક અપ્રિય અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં દિવાળીના એક સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન અમેરિકન જમણેરી કાર્યકર્તા જેક લેંગ અને તેના સમર્થકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો, જેના કારણે ઉજવણીમાં અરાજકતા ફેલાઈ હતી. પ્રદર્શનકારીઓ દ્વારા ભારતીય સમુદાયને નિશાન બનાવીને અભદ્ર અને નસ્લભેદી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, છતાં ઉપસ્થિત ભારતીયોએ ડર્યા વગર પોતાની ઉજવણી ચાલુ રાખી હતી.

આ વિવાદનું મુખ્ય કારણ જમણેરી કાર્યકર્તા જેક લેંગ અને તેના વિરોધી જૂથ દ્વારા કરવામાં આવેલું ઉશ્કેરણીજનક પ્રદર્શન હતું, જેમાં 'ડોટ હેડ્સ' (ભારતીયો) ને દેશમાંથી હાંકી કાઢવાની માગણી કરતા અપમાનજનક પ્લેકાર્ડ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ લેંગે સોશિયલ મીડિયા પર હિન્દુઓ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ પોસ્ટ કરી હતી અને ટેક્સાસ રાજ્યની રાજકીય સ્થિતિ માટે ભારતીયોને જવાબદાર ઠેરવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 'ડોટ હેડ્સ' શબ્દનો ઉપયોગ અમેરિકામાં ભારતીયો વિરુદ્ધ તેમની સાંસ્કૃતિક ઓળખ એટલે કે લલાટ પરના તિલકને લઈને અપમાન કરવા માટે થાય છે.

આ ઘટના સામે આવતા જ યુએસ કોંગ્રેસવુમન પ્રમિલા જયપાલ અને અગ્રણી ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ અજય જૈન ભૂટોરિયા સહિતના અનેક દિગ્ગજોએ આ કૃત્યની આકરી નિંદા કરી છે. પ્રમિલા જયપાલે આ ઘટનાને અત્યંત શરમજનક અને જાતિવાદી ગણાવતા જણાવ્યું હતું કે ભારતીય-અમેરિકન સમુદાયને કોઈપણ પ્રકારના ભય કે ડર વગર પોતાના તહેવારો ઉજવવાનો પૂરતો અધિકાર છે. અગાઉ વ્હાઇટ હાઉસ ખાતે યુએસ રાષ્ટ્રપતિ દ્વારા પણ દીવો પ્રગટાવીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, ત્યારે આ પ્રકારની ઘટનાઓએ ચિંતા વધારી છે.

આ પ્રદર્શન છતાં સ્થાનિક ભારતીય સમુદાયે મક્કમતા દાખવીને કાર્યક્રમ બંધ ન રાખતા પોતાની પરંપરાગત ઉજવણી ઉત્સાહભેર પૂર્ણ કરી હતી. આગામી સમયમાં આ પ્રકારના નસ્લભેદી અને અસામાજિક તત્વો સામે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કડક કાનૂની પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે, જેથી વિદેશી ધરતી પર રહેતા ભારતીયોની સુરક્ષા અને સન્માન હંમેશાં જળવાઈ રહે.

(1:19 PM IST)