<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

ઈરાન યુદ્ધની સીધી અસર: એર ઈન્ડિયા દરરોજ 100 ફ્લાઈટ્સ કરશે રદ, ઈંધણના વધતા ભાવે મુસાફરોની ચિંતા વધારી!

ટાટા ગ્રુપની એરલાઈને લીધો મોટો નિર્ણય; ઓસ્ટ્રેલિયા, યુરોપ અને અમેરિકા જેવા લાંબા રૂટ પર કાપ મુકાતા ઈન્ટરનેશનલ પ્રવાસ થશે મોંઘો અને મુશ્કેલ.

નવી દિલ્હી: તા.૦૧: વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા સંઘર્ષ, ખાસ કરીને ઈરાન યુદ્ધની અસરો હવે ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર પર પણ જોવા મળી રહી છે. એર ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે વિમાનના ઈંધણની કિંમતોમાં થયેલા તોતિંગ વધારાને કારણે તે દરરોજની લગભગ 100 ફ્લાઈટ્સ રદ કરવા જઈ રહી છે. વધતા ખર્ચને કારણે ઘણા રૂટ પર વિમાન ઉડાડવું હવે આર્થિક રીતે નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે.

ટાટા ગ્રુપની માલિકીની આ એરલાઈન હાલમાં દરરોજ અંદાજે 1,100 ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. આ નવા નિર્ણય સાથે એર ઈન્ડિયાના કુલ ઓપરેશનમાં સીધો 10% નો ઘટાડો જોવા મળશે. તાજેતરના વર્ષોમાં એરલાઈન દ્વારા તેની ક્ષમતામાં કરવામાં આવેલો આ સૌથી મોટો કાપ માનવામાં આવે છે. આ ફેરફારની અસર સ્થાનિક (ડોમેસ્ટિક) અને આંતરરાષ્ટ્રીય એમ બંને પ્રકારની સેવાઓ પર પડશે.

સૌથી વધુ કાપ લાંબા અંતરના આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર જોવા મળશે. યુરોપ, ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર જેવા દેશોની ફ્લાઈટ્સમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે. આ એવા રૂટ્સ છે જ્યાં ઈંધણનો વપરાશ સૌથી વધુ હોય છે અને તેલના ભાવ વધતા કંપનીના નફા પર સીધો માર પડે છે.

ઉનાળાની રજાઓની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે એર ઈન્ડિયાના આ નિર્ણયથી મુસાફરોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ફ્લાઈટ્સ ઓછી થવાને કારણે બાકીની ફ્લાઈટ્સના ટિકિટ દરોમાં પણ ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે. એરલાઈને આ નિર્ણય માત્ર આર્થિક બોજ ઘટાડવા માટે લીધો હોવાનું જણાવવામાં આવ્યું છે.

(3:30 PM IST)