તા. ૧૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૨ રવિવાર
News of Tuesday, 23rd June 2026
તમિલનાડુના રાજકારણમાં ગંદુ પર્સનલ પોલિટિક્સ: સીએમ વિજયના છૂટાછેડાના કેસ પર ઉદયનિધિ સ્ટાલિનનો મોટો કટાક્ષ, ‘ચેંગલપટ્ટુ કોર્ટની વાર્તા આખો દેશ જાણે છે!’
મુખ્યમંત્રી વિજયની ટૂંકી વાર્તાના જવાબમાં ડીએમકે (DMK) નેતાએ પત્ની સંગીતા સાથેના ૨૭ વર્ષના લગ્નજીવનના અંતનો આપ્યો સંદર્ભ; અભિનેત્રી ત્રિશા સાથેના કથિત સંબંધોની અફવાઓ વચ્ચે તમિલનાડુનું રાજકારણગરમાયું

ચેન્નાઈ : તમિલનાડુ વિધાનસભામાં મુખ્યમંત્રી સી. જોસેફ વિજય અને વિરોધ પક્ષ વચ્ચે શરૂ થયેલો રાજકીય જંગ હવે હદ વટાવીને વ્યક્તિગત આક્ષેપો પર આવી ગયો છે. વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી વિજય દ્વારા કરાયેલા પ્રહારોથી તિલમિલાયેલા દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) ના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા (LoP) ઉદયનિધિ સ્ટાલિને મંગળવારે મુખ્યમંત્રી પર અત્યંત તીખો અને પર્સનલ એટેક કર્યો છે. ઉદયનિધિએ વિજયના અંગત જીવન અને લગ્નજીવનમાં ચાલી રહેલા વિવાદો પર કટાક્ષ કરતા જાહેરમાં કહ્યું છે કે, "આખું રાજ્ય ચેંગલપટ્ટુ કોર્ટમાં પોતાના પતિને શોધતી પત્નીની વાર્તા સારી રીતે જાણે છે."
ઉદયનિધિ સ્ટાલિનના આ નિવેદનને મુખ્યમંત્રી વિજયના અંગત જીવન સાથે સીધું જોડવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, ડિસેમ્બર ૨૦૨૫ માં વિજયની પત્ની સંગીતા સોર્નાલિંગમે ચેંગલપટ્ટુ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરીને તેમના ૨૭ વર્ષ જૂના લગ્નજીવનનો કાનૂની રીતે અંત લાવવાની માંગ કરી હતી, જેનો કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે અને આગામી સુનાવણી ૭ ઓગસ્ટે થવાની છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર તમિલ ભાષામાં પોસ્ટ લખતા સ્ટાલિને મુખ્યમંત્રીને ઘેર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે, "વિજયે એમ કહીને આંદોલનકારી ખેડૂતોનું અપમાન કર્યું છે કે તેઓ વિપક્ષના ઉશ્કેરણી પર વિરોધ કરી રહ્યા છે. વિજયનું આ વલણ અને ટૂંકી વાર્તાઓ કહેવાની તેમની આદત તેમના ગૌરવની વિરૂદ્ધ છે. કોર્ટના ચક્કર કાપતી પત્નીની વાર્તા આખું તમિલનાડુ જાણે છે, તેથી વિજયે હવે સુધરી જવું જોઈએ."
અભિનેત્રી ત્રિશા સાથે જોડાયું નામ અને સોશિયલ મીડિયા પર નવી અટકળો
આ આખા હાઈ-પ્રોફાઈલ વિવાદમાં દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી ત્રિશા કૃષ્ણનનું નામ પણ સતત ચર્ચામાં રહ્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે વિજય અને સંગીતા વચ્ચેના ત્રણ દાયકા જૂના સંબંધો તૂટવા પાછળ એક જાણીતી અભિનેત્રી સાથેનું કથિત અફેર જવાબદાર હતું, ત્યારથી સોશિયલ મીડિયા પર ત્રિશાનું નામ આ વિવાદ સાથે જોરશોરથી જોડવામાં આવી રહ્યું છે.
હાલમાં જ ૨૨ જૂને મુખ્યમંત્રી વિજયના ૫૨મા જન્મદિવસ પર આ અફવાઓએ ફરી જોર પકડ્યું છે. ચાહકોએ નોંધ્યું કે ભૂતકાળમાં હંમેશાં વિજયને સોશિયલ મીડિયા પર બર્થડે વિશ કરનારી ત્રિશાએ આ વખતે કોઈ પોસ્ટ શેર કરી નહોતી. એટલું જ નહીં, એવી અટકળો પણ તેજ થઈ છે કે ત્રિશાએ ઇન્સ્ટાગ્રામ પર વિજયને અનફોલો કરી દીધા છે, જેનાથી તેમના કથિત સંબંધોમાં તિરાડ પડી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે, ત્રિશાએ ક્યારેય સત્તાવાર રીતે વિજયને ફોલો કર્યા હતા કે નહીં તેની કોઈ પૃષ્ટિ થઈ નથી. રાજનીતિમાં જ્યારે નીતિઓ અને વિકાસના મુદ્દાઓ પાછળ રહી જાય અને નેતાઓના બેડરૂમ સુધીના કિસ્સાઓ ચર્ચાના કેન્દ્રમાં આવે, ત્યારે લોકશાહીનું સ્તર કેટલું નીચું જાય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ ચેન્નાઈના રાજકારણમાં જોવા મળી રહ્યું છે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
