તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
હોર્મુઝની સામુદ્રધુની ખોલવા અમેરિકા-ઈરાન વચ્ચે ૮ અબજ ડોલરની સમજૂતીની ચર્ચા તેજઃ કતારની મધ્યસ્થી વચ્ચે ઈરાને અહેવાલો નકાર્યા
ઈરાનના જપ્ત નાણાં મુક્ત કરવા અને અમેરિકાનો નૌકાબંધી હટાવવાનો પ્રસ્તાવઃ ટ્રમ્પ સાથે કતારના વડાપ્રધાનની મુલાકાતઃ સમજૂતી અંગે હજી અનિશ્ચિતતા

વોશિંગ્ટન/તહેરાન, તા. ૯ : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા તથા વિશ્વના અત્યંત મહત્વપૂર્ણ હોર્મુઝના દરિયાઈ માર્ગને ફરી ખોલવા રાજદ્વારી પ્રયાસો તેજ બન્યા છે. ઈઝરાયલના એક અખબારે બે રાજદ્વારી સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે કતારની મધ્યસ્થી હેઠળ આશરે ૮ અબજ ડોલર, એટલે કે ૮૦૦ કરોડ ડોલરની સમજૂતીનો પ્રસ્તાવ ચર્ચામાં છે. જોકે ઈરાને આવા ચોક્કસ સોદાની વાટાઘાટો ચાલી રહી હોવાના અહેવાલોને નકારી કાઢ્યા છે.
અહેવાલ પ્રમાણે સંભવિત સમજૂતી હેઠળ અમેરિકાએ કતારમાં જપ્ત રાખેલા ઈરાનના ૮ અબજ ડોલર મુક્ત કરવાના અને ઈરાન સામેની નૌકાબંધી હટાવવાની જોગવાઈ છે. બદલામાં ઈરાન હોર્મુઝનો દરિયાઈ માર્ગ ફરી ખોલે, ખાડી વિસ્તારમાં વેપારી જહાજો ઉપરના હુમલા બંધ કરે અને જહાજો પાસેથી પસાર થવાનો ચાર્જ વસૂલવાની માંગણી પડતી મૂકે તેવી ચર્ચા છે.
દરમિયાન કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહેમાન અલ થાનીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વોશિંગ્ટનમાં મુલાકાત કરી હતી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ પણ મધ્યસ્થી પ્રક્રિયામાં સક્રિય છે.
બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ જણાવ્યું હતું કે અમેરિકાને કોઈ નવો પ્રસ્તાવ મોકલાયો નથી. ઈરાનનો અગાઉનો બે દિવસમાં અમલ કરી શકાય તેવો શાંતિપ્રસ્તાવ યથાવત્ છે. તેમાં અમેરિકાની નૌકાબંધી દૂર કરવા, પ્રતિબંધોમાં રાહત આપવા અને યુદ્ધનો અંત લાવવાની માંગણીઓ સામેલ છે.
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ પણ તાત્કાલિક રાજદ્વારી સફળતાની શક્યતા ઓછી હોવાનું જણાવ્યું છે. આમ હોર્મુઝ ખોલવા રાજદ્વારી ગતિવિધિઓ તેજ બની હોવા છતાં ૮ અબજ ડોલરની સમજૂતી થઈ જ ગઈ હોવાનું ચોક્કસ કહી શકાય તેમ નથી.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
