News of Saturday, 12th September 2026
મેટ્રો શહેરોનો મોહભંગ, બિલ્ડરો હવે ટાયર-૨ શહેરો તરફ વળ્યા: લખનૌ અને જયપુરમાં ૫ વર્ષમાં ૧૦૦ એકરથી વધુ જમીન ખરીદાઈ!
કુશમેન એન્ડ વેકફિલ્ડના રિપોર્ટમાં મોટો ખુલાસો: મોંઘા ભાવ અને જમીનની અછતને કારણે ડેવલપર્સે ઈન્દોર, નાગપુર અને જયપુર જેવા શહેરોમાં બનાવ્યા રોકાણના નવા હોટસ્પોટ

નવી દિલ્હી : ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં એક બહુ મોટો અને ક્રાંતિકારી બદલાવ જોવા મળી રહ્યો છે. દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા ગીચ મેટ્રો શહેરોમાં જમીનની અછત અને આસમાને પહોંચેલા ભાવોના કારણે મોટા બિલ્ડરો અને રોકાણકારોએ હવે ટાયર-૨ (ઉભરતા) શહેરો તરફ દોટ મૂકી છે. વૈશ્વિક પ્રોપર્ટી કન્સલ્ટન્ટ 'કુશમેન એન્ડ વેકફિલ્ડ'ના તાજેતરના અહેવાલ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં (૨૦૨૧ થી ૨૦૨૬ના પ્રથમ ક્વાર્ટર સુધી) દેશના ટાયર-૨ શહેરોમાં જમીનના ખરીદ-વેચાણમાં અભૂતપૂર્વ ઉછાળો નોંધાયો છે.
રિપોર્ટના આંકડા અનુસાર, રાજસ્થાનની રાજધાની જયપુરમાં બિલ્ડરોએ ૬૯ એકર અને ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ૩૧ એકર જમીનના સોદા કર્યા છે. માત્ર આ બે શહેરોમાં જ ૧૦૦ એકરથી વધુ જમીનની ખરીદી થઈ છે, જે ડેવલપર્સના વધી રહેલા વિશ્વાસને દર્શાવે છે. આ ઉપરાંત ઈન્દોરમાં ૫૬૭ એકર, લુધિયાણામાં ૪૫૬ એકર અને નાગપુરમાં ૪૨૪ એકર જમીનના વિશાળ સોદા થયા છે. મેટ્રો શહેરોમાં ૨૦૨૧ માં સરેરાશ જમીન સોદાનું કદ ૨૧ એકર હતું જે ઘટીને ૨૦૨૬માં ૧૦ એકર થઈ ગયું છે, જ્યારે ટાયર-૨ શહેરોમાં આ સરેરાશ સોદાનું કદ ૮ એકરથી વધીને સીધું ૫૩ એકર પર પહોંચી ગયું છે.
ટાયર-૨ શહેરો તરફ બિલ્ડરોના આકર્ષણનું મુખ્ય કારણ એક્સપ્રેસવે, ઔદ્યોગિક કોરિડોર અને નવા એરપોર્ટ જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને લીધે સુધરેલી કનેક્ટિવિટી છે. મેગા ટાઉનશીપ અને મિશ્ર-ઉપયોગ (Residential & Commercial) પ્રોજેક્ટ્સ માટે ટાયર-૨ શહેરોમાં મોટા જમીન પાર્સલ સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યા છે. ઈતિહાસમાં પહેલીવાર, દેશના કુલ જમીન સોદામાં ટાયર-૨ શહેરોનો હિસ્સો, જે ૨૦૨૧માં માત્ર ૨% હતો, તે ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વધીને ૬૭% પર પહોંચી ગયો છે, જેણે મેટ્રોપોલિટન શહેરોને પણ પાછળ છોડી દીધા છે.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
