News of Sunday, 28th June 2026
અદાણી ગ્રૂપ સામેનો કેસ રદ થવાની પ્રક્રિયા યથાવત : ન્યૂયોર્કના જજ દ્વારા કરાયેલી પૂછપરછ માત્ર એક સામાન્ય પ્રક્રિયાગત જરૂરિયાત હોવાનો યુએસ કાનૂની નિષ્ણાતનો દાવો
અમેરિકી ન્યાય વિભાગ પાસે કેસ પાછો ખેંચવાની સંપૂર્ણ સત્તા, કોર્ટ તેને દબાણ કરી શકે નહીં : સુપ્રીમ કોર્ટના ચુકાદા અને અદાણી ગ્રીનના કાયદેસરના બિઝનેસ સોદાને આધારે કેસ આગામી સપ્તાહોમાં જ રદ થવાની પ્રબળ સંભાવના

ન્યૂયોર્ક:ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી સામેના ફોજદારી આરોપોને રદ કરવાની મંજૂરી આપતાં પહેલાં ન્યૂયોર્કની ફેડરલ કોર્ટના જજ દ્વારા પ્રોસિક્યુટર્સ (સરકારી વકીલો) પાસે વિસ્તૃત સ્પષ્ટતા માંગવામાં આવી છે. જોકે, યુએસ ફેડરલ ક્રિમિનલ પ્રેક્ટિસથી પરિચિત વરિષ્ઠ વકીલ ક્રિસ મેનના જણાવ્યા અનુસાર, જજનો આ આદેશ માત્ર એક સામાન્ય પ્રક્રિયાગત જરૂરિયાત છે અને તેનાથી એવો કોઈ સંકેત મળતો નથી કે આ કેસ આગળ ચાલશે. અમેરિકાના કાયદાની કલમ 'રૂલ 48(a)' હેઠળ ન્યાય વિભાગ (DoJ) જ્યારે પણ કોઈ કેસ કે આરોપનામું પાછો ખેંચવા માંગે, ત્યારે તેમણે કોર્ટની પરવાનગી લેવી પડે છે. આ પ્રક્રિયા દરમિયાન જજ પ્રશ્નો પૂછી શકે છે અથવા વધારાની માહિતી માંગી શકે છે, જે યુએસ ન્યાય પ્રણાલીમાં ખૂબ જ સામાન્ય બાબત છે.
અમેરિકી કોર્ટ પાસે કેસ ચલાવવા દબાણ કરવાની સત્તા નથી:
કાનૂની નિષ્ણાત ક્રિસ મેનના જણાવ્યા અનુસાર, અમેરિકામાં ફોજદારી કેસ ચલાવવો એ બંધારણીય રીતે વહીવટી તંત્ર (એક્ઝિક્યુટિવ બ્રાન્ચ) નું કાર્ય છે અને અદાલતો ઐતિહાસિક રીતે પ્રોસિક્યુશનના નિર્ણયોને સ્વીકારે છે. અમેરિકાના ન્યાયિક ઇતિહાસમાં એવું કોઈ આધુનિક ઉદાહરણ નથી કે જ્યાં જજે ન્યાય વિભાગને એવો કેસ લડવા માટે દબાણ કર્યું હોય, જેને સરકારે પોતે જ પડતો મૂકવાનું નક્કી કરી લીધું હોય. બ્રુકલિન સ્થિત યુએસ ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગેરાઉફિસે જણાવ્યું હતું કે, ગત ૧૮ મેના રોજ ફેડરલ પ્રોસિક્યુટર્સ દ્વારા સિક્યોરિટીઝ ફ્રોડ અને વાયર ફ્રોડના આરોપો પાછા ખેંચવાની જે જાહેરાત કરાઈ હતી, તેમાં પૂરતી સ્પષ્ટતા નહોતી. આથી કોર્ટે ન્યાય વિભાગને આગામી ૧૩ જુલાઈ ૨૦૨૬ સુધીનો સમય આપી વિગતવાર ખુલાસો માંગ્યો છે. કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે ન્યાય વિભાગ સમયમર્યાદા પહેલાં જ આ અહેવાલ રજૂ કરી દેશે અને આ કેસ મહિનાઓ નહીં પણ આગામી થોડા સપ્તાહોમાં જ સત્તાવાર રીતે રદ થઈ જશે.
ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સના કેસનું ઉદાહરણ:
નિષ્ણાતોએ તાજેતરમાં ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ્સ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસનું ઉદાહરણ આપતાં સમજાવ્યું હતું કે, તે કેસમાં પણ જ્યારે ન્યાય વિભાગે આરોપો રદ કરવાની માંગ કરી, ત્યારે સંબંધિત જજે સુનાવણી હાથ ધરીને વિગતવાર ખુલાસો માંગ્યો હતો, પરંતુ અંતે સરકારની વિનંતીને માન્ય રાખીને કેસ રદ કરી દેવાયો હતો. અદાણીના કેસમાં પણ જજ ગેરાઉફિસ માત્ર કાયદાકીય નિયમોનું પાલન કરીને રેકોર્ડ મજબૂત કરી રહ્યા છે અને આ પૂછપરછથી કેસ રદ થવાની પ્રક્રિયાને કોઈ ખતરો નથી.
અદાણી ગ્રૂપના પક્ષમાં મજબૂત કાનૂની અને આર્થિક પુરાવા:
અદાણી ગ્રૂપ દ્વારા ૨૪ જૂન ૨૦૨૬ ના રોજ કોર્ટને સુપરત કરવામાં આવેલા પત્રમાં સરકારી કેસની અનેક નબળાઈઓ છતી કરવામાં આવી છે, જેના કારણે ન્યાય વિભાગ (DoJ) કેસ પાછો ખેંચવા મજબૂર બન્યું છે. મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
યુએસ કાયદાના દાયરા બહારની બાબત: આ તમામ વ્યાપારી વ્યવહારો અમેરિકા બહારની સંસ્થાઓ અને ધિરાણકર્તાઓ વચ્ચે થયા હતા. બોન્ડના તમામ દસ્તાવેજો અમેરિકાની બહાર તૈયાર અને મંજૂર કરાયા હતા તથા આ સોદા ઇંગ્લિશ લો (બ્રિટિશ કાયદા) હેઠળ સંચાલિત હતા. યુએસ સુપ્રીમ કોર્ટના 'મોરિસન વિરુદ્ધ નેશનલ' ચુકાદા અનુસાર, આ કેસ યુએસ સિક્યોરિટીઝ લોની મર્યાદા બહારનો છે.
લાંચના આરોપો પાયાવિહોણા: ભારતના પૂર્વ વરિષ્ઠ નિયમનકારી અધિકારીના નિષ્ણાત પુરાવા દર્શાવે છે કે, જેને લાંચ કહેવામાં આવી રહી છે તે વાસ્તવમાં અદાણી ગ્રીન દ્વારા ભારતીય રાજ્ય વીજ કંપનીઓને સોલાર એનર્જીના કરાર સાઇન કરવા માટે આપવામાં આવેલી કાયદેસરની અને પારદર્શક વ્યાપારી છૂટછાટ (પ્રાઇસ રિડક્શન) હતી.
રોકાણકારોને કોઈ નુકસાન નહીં: આ સમગ્ર કેસમાં કોઈ પણ રોકાણકારે એક પણ રૂપિયો ગુમાવ્યો નથી. વર્ષ ૨૦૨૧ ના બોન્ડ સંપૂર્ણ પાકી ગયા છે અને વ્યાજ સાથે ચૂકવાઈ ગયા છે. ૨૦૨૪ ના બોન્ડની ચૂકવણી નિયમિત ચાલુ છે, ૨૦૨૧ ની લોન સંપૂર્ણ ભરપાઈ થઈ ગઈ છે અને ૨૦૨૩ ની લોનમાં પણ કોઈ ડિફોલ્ટ નથી.
અદાણી ગ્રૂપ દ્વારા ફેબ્રુઆરીથી એપ્રિલ ૨૦૨૬ દરમિયાન હાર્વર્ડ લો સ્કૂલના પ્રોફેસર અને પૂર્વ એસઈસી (SEC) કમિશનર સહિતના વૈશ્વિક નિષ્ણાતોના અહેવાલો સાથે આશરે ૫૦૦ પાનાના કાનૂની અને આર્થિક પુરાવા અમેરિકી ન્યાય વિભાગને સોંપવામાં આવ્યા હતા, જેના ગહન અભ્યાસ બાદ જ સરકારે આ કેસ બંધ કરવાનો આખરી નિર્ણય લીધો છે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
