News of Friday, 8th May 2026
શેરબજારના ડિવિડન્ડ કિંગઃ માત્ર ભાવ વધારાની જ નહીં: ઘરે બેઠા કમાણીની પણ ગેરંટી
બજારની અસ્થિરતા વચ્ચે ૫ કંપનીઓ આપી રહી છે ફિક્સ્ડ ડિપોઝિટ : વેદાંતા, કોલ ઇન્ડિયા અને ONGC જેવા દિગ્ગજ શેરોમાં રોકાણકારોનો જમાવડો

નવી દિલ્હી તા.૮: ભારતીય શેરબજારમાં અત્યારે ભારે ઉતાર-ચઢાવનો માહોલ છે, ત્યારે સ્માર્ટ રોકાણકારો માત્ર શેરના ભાવ વધવાની રાહ જોવાને બદલે ડિવિડન્ડ આપતા શેરો પર દાવ લગાવી રહ્યા છે. ખાસ કરીને વેદાંતા જેવી કંપનીઓ, જે ૮.૫% થી ૧૧% જેવી તોતિગ ડિવિડન્ડ યીલ્ડ ઓફર કરે છે, તે રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. અનિલ અગ્રવાલની આગેવાની હેઠળની આ કંપનીએ ચાલુ નાણાકીય વર્ષમાં જ શેરદીઠ રૂા.૩૪ થી વધુનું ડિવિડન્ડ વહેંચીને રેકોર્ડ સર્જ્યો છે. જોકે, નિષ્ણાતો ચેતવણી આપે છે કે વધુ ડિવિડન્ડની સાથે કોમોડિટીના ભાવ અને કંપનીના દેવા જેવી બાબતો પર નજર રાખવી પણ એટલી જ જરૂરી છે, કારણ કે આ હાઈ રિસ્ક-હાઈ રિવોર્ડ ગેમ છે.
સરકારી કંપનીઓ અત્યારે સેફ હેવન તરીકે ઉભરી આવી છે. કોલ ઇન્ડિયા અને ONGC જેવી મહારત્ન કંપનીઓ રોકાણકારોને સ્થિરતાની સાથે ગજબનો નફો કરાવી રહી છે. કોલ ઇન્ડિયામાં રોકાણ કરનારાઓને ૬.૯% સુધીનું વળતર માત્ર ડિવિડન્ડ સ્વરૂપે મળી રહ્યું છે, જે બેંકની એફડી (FD) ને પણ ટક્કર આપે છે. સરકારી બેકઅપ હોવાને કારણે અહીં મૂડી ડૂબવાનું જોખમ ઓછું રહે છે અને મજબૂત રોકડ પ્રવાહને કારણે દર વર્ષે નિયમિત આવક મળતી રહે છે. એ જ રીતે ONGC એ પણ ક્રૂડ તેલના વૈશ્વિક ભાવમાં વધારાનો લાભ લઈને રોકાણકારોના ખિસ્સા ડિવિડન્ડ દ્વારા ભર્યા છે, જે લાંબા ગાળાના રોકાણકારો માટે સોનામાં સુગંધ ભળવા સમાન છે.
માત્ર માઇનિંગ કે ઓઇલ ક્ષેત્ર જ નહીં, પરંતુ કેસ્ટ્રોલ ઇન્ડિયા અને હિન્દુસ્તાન ઝિક જેવી કંપનીઓ પણ ડિવિડન્ડની રેસમાં પાછળ નથી. કેસ્ટ્રોલ ઇન્ડિયા તેના લુબ્રિકન્ટ વ્યવસાયમાં મજબૂત પકડ ધરાવે છે અને ૫્રુ સુધીની ડિવિડન્ડ યીલ્ડ જાળવી રાખવામાં સફળ રહી છે. જોકે, બજારના જાણકારો માને છે કે માત્ર ઊંચું ડિવિડન્ડ જોઈને શેર ન ખરીદવો જોઈએ; કંપનીનું ફયુચર વિઝન અને બિઝનેસ મોડેલ તપાસવું પણ અનિવાર્ય છે. ઉદાહરણ તરીકે, ઇલેક્ટ્રિક વાહનોના વધતા વ્યાપને કારણે કેસ્ટ્રોલ જેવા લુબ્રિકન્ટ શેરો માટે ભાવિ પડકારો ઉભા થઈ શકે છે. તેથી, સંતુલિત પોર્ટફોલિયો બનાવવા માટે બ્લુચિપ અને સરકારી કંપનીઓનું મિશ્રણ શ્રેષ્ઠ વ્યૂહરચના સાબિત થઈ શકે છે.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
