તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th October 2026
સેનાના ગણવેશમાં દૈવી દરબાર: ઝાંસીના બહુચર્ચિત 'કાલી બાબા'નો પર્દાફાશ
દૈવી શક્તિઓનો દાવો કરનાર 'ચમત્કારી' બાબા હરદોઈનો કુખ્યાત હિસ્ટ્રીશીટર નીકળ્યો

ઝાંસી : દૈવી શક્તિઓ, ભૂત-ભવિષ્ય બતાવવાના દાવા અને ચમત્કારોના ઓઠા હેઠળ આચરાતા રોમાંચક અને ચોંકાવનારા ખેલનો આખરે ઉત્તર પ્રદેશ પોલીસે પર્દાફાશ કર્યો છે. ઝાંસીના કુરૈચા ગામમાં આવેલા કાલી સરકાર મંદિરમાં ભારતીય સેના જેવા ગણવેશ, કપાળે તિલક અને રોફદાર અંદાજમાં 'દૈવી દરબાર' ભરીને લોકોને અચંબિત કરનાર 'કાલી બાબા' વાસ્તવમાં કોઈ સિદ્ધ પુરુષ નહીં પરંતુ હરદોઈ પોલીસનો મોસ્ટ વોન્ટેડ ભાગેડુ ગુનેગાર પ્રદીપ શુક્લા ઉર્ફે નટરાજ હોવાનું સામે આવ્યું છે. પોતાનું સાચું નામ-સરનામું છુપાવીને આ અઠંગ ગુનેગાર શ્રદ્ધાના નામે એવો માયાવી જાળ વણી બેઠો હતો કે દેશ તો ઠીક, વિદેશીઓ પણ તેના ભક્ત બનીને તેના શરણે આવતા હતા.
હરદોઈના ચૌહાણ થોકનો રહેવાસી પ્રદીપ શુક્લા લૂંટ અને અન્ય ગંભીર ગુનાઓમાં ૨૦૧૪થી ફરાર હતો અને કોર્ટે તેને ભાગેડુ જાહેર કર્યો હતો. પોલીસની પકડથી બચવા તેણે ઝાંસીના મૌરાનીપુર વિસ્તારના કુરૈચા ગામના મંદિરને પોતાનું સેફ હાઉસ બનાવ્યું હતું. ત્યાં તેણે પોતાનું નામ 'સત્યેન્દ્ર શુક્લા ઉર્ફે કાલી સરકાર' રાખીને ચમત્કારિક શક્તિઓનો પ્રચાર શરૂ કરી દીધો. તેણે સોશિયલ મીડિયા પર 'કાલી સરકાર' નામે પેજ બનાવી ૧ લાખથી વધુ ફોલોઅર્સ મેળવી લીધા હતા. તે અઠવાડિયામાં ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને રીતે દરબાર ભરીને લોકોની સમસ્યાઓ ઉકેલવાનો ઢોંગ કરતો હતો. તાજેતરમાં નવરાત્રિ દરમિયાન પણ તેણે સોશિયલ મીડિયા પર ૯ દિવસ દરબાર બંધ રાખવાની જાહેરાત કરી હતી.
આ સમગ્ર ડ્રામાનો અંત સોશિયલ મીડિયાની જાગૃતિ અને પોલીસની તીક્ષ્ણ નજરને કારણે આવ્યો. હરદોઈ પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા 'કાલી બાબા'ના વીડિયોના આધારે શંકા જતાં તપાસ આદરી હતી. ખાતરી થતાં જ હરદોઈ પોલીસે ઝાંસીની મૌરાનીપુર પોલીસ સાથે મળીને દરોડો પાડ્યો અને 'ચમત્કારી બાબા'ને હાથકડી પહેરાવી દીધી. જ્યારે આસપાસના લોકોને ખબર પડી કે સેનાના ગણવેશમાં દૈવી દરબાર ચલાવતો બાબા હકીકતમાં લૂંટ અને અનેક ગુનાઓમાં સંડોવાયેલો હિસ્ટ્રીશીટર છે, ત્યારે સમગ્ર પંથકમાં સન્નાટો છવાઈ ગયો હતો. હાલ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
