હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દૈવી યુદ્ધથી લઈને ભારતીય સેનાના શૌર્ય સુધી: મહર્ષિ દધીચિના અમર બલિદાન અને ઇન્દ્રના વજ્રની કથા પરમવીર ચક્ર સુધી કેવી રીતે પહોંચી? જાણો પ્રેરણાદાયી ઈતિહાસ
સ્વિત્ઝરલેન્ડમાં જન્મેલા સાવિત્રીબાઈ ખાનોલકરે કરી હતી દેશના સર્વોચ્ચ લશ્કરી સન્માનની ડિઝાઇન: અશોક સ્તંભ સાથે ચારેય દિશામાં કોતરેલું વજ્ર આપે છે ‘બલિદાનમાંથી જ સાચી શક્તિ જન્મે છે’ નો મહાન સંદેશ

નવી દિલ્હી, તા.૨૯: ભારતનો સર્વોચ્ચ લશ્કરી શૌર્ય પુરસ્કાર 'પરમવીર ચક્ર' (PVC) માત્ર ધાતુનો એક ચંદ્રક નથી, પરંતુ અપ્રતિમ હિંમત, શૌર્ય અને માતૃભૂમિ પ્રત્યેના સર્વોચ્ચ સમર્પણની અમર ગાથા છે. દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા અદમ્ય યોદ્ધાઓને એનાયત થતા આ મેડલનો સંબંધ ભારતની હજારો વર્ષ જૂની પૌરાણિક સંસ્કૃતિ સાથે સીધો જોડાયેલો છે. બહુ ઓછા લોકો જાણે છે કે પરમવીર ચક્ર પર અંકિત વજ્ર એ જ દૈવી શસ્ત્ર છે, જે દેવતાઓના શિલ્પી વિશ્વકર્માએ મહર્ષિ દધીચિના હાડકાંમાંથી તૈયાર કર્યું હતું.
શા માટે પડી હતી દૈવી વજ્રની જરૂર?
પ્રાચીન પૌરાણિક કથાઓ મુજબ, રાક્ષસ વૃત્રાસુરના ત્રાસ અને શક્તિ સામે તમામ દેવતાઓ પરાસ્ત થઈ ગયા હતા. ભગવાન વિષ્ણુએ દેવરાજ ઇન્દ્રને માર્ગદર્શન આપ્યું કે વૃત્રાસુરનો વધ કોઈ સામાન્ય અસ્ત્ર-શસ્ત્રથી શક્ય નથી; તેના માટે પરમ તપસ્વી મહર્ષિ દધીચિના પવિત્ર હાડકાંમાંથી બનેલા શસ્ત્રની જરૂર પડશે. જ્યારે દેવોએ મહર્ષિ દધીચિ પાસે મદદ માંગી, ત્યારે તેમણે માનવજાત અને ધર્મના રક્ષણ માટે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પણ યોગશક્તિથી પોતાના દેહનો ત્યાગ કરી દીધો. આ અપ્રતિમ બલિદાનમાંથી દિવ્ય શિલ્પી વિશ્વકર્માએ 'વજ્ર'નું નિર્માણ કર્યું, જેના દ્વારા ઇન્દ્રએ વૃત્રાસુરનો સંહાર કરી દેવોને વિજય અપાવ્યો.
પરમવીર ચક્રની સ્થાપના અને ડિઝાઇનનો રોચક ઈતિહાસ:
૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ સ્થપાયેલા (અને ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭થી અમલી) આ સર્વોચ્ચ પુરસ્કારની ડિઝાઇનની જવાબદારી સાવિત્રીબાઈ ખાનોલકરને સોંપવામાં આવી હતી. સ્વિટ્ઝરલેન્ડમાં જન્મેલા સાવિત્રીબાઈએ ભારતીય સેનાના અધિકારી સાથે લગ્ન કર્યા બાદ ભારતીય સંસ્કૃતિ, વેદ અને શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો હતો. તેમણે દેશના સર્વોચ્ચ શૌર્ય ચંદ્રક માટે એવું પ્રતીક પસંદ કરવાનું નક્કી કર્યું જે માત્ર યુદ્ધ કૌશલ્ય જ નહીં પરંતુ સર્વોચ્ચ બલિદાનની ભાવના દર્શાવે.
તેમણે મેડલના કેન્દ્રમાં ભારતનું રાષ્ટ્રીય પ્રતીક 'અશોક સ્તંભ' રાખ્યું અને તેની ચારેય દિશાઓમાં ઇન્દ્રના 'વજ્ર'ની આકૃતિઓ કોતરી. આ ડિઝાઇન પાછળનો ગૂઢ સંદેશ એ છે કે "સૌથી મોટી શક્તિ અને વિજય ફક્ત શસ્ત્રોથી નહીં, પણ રાષ્ટ્ર પ્રત્યેના નિઃસ્વાર્થ બલિદાનથી મળે છે."
સૌથી મોટો સંદેશ:
જ્યારે પણ દેશનો કોઈ જાંબાઝ સૈનિક પોતાની જાનની પરવા કર્યા વગર દુશ્મનો સામે લડીને પરમવીર ચક્ર પ્રાપ્ત કરે છે, ત્યારે તે હકીકતમાં મહર્ષિ દધીચિ દ્વારા સ્થાપિત "રાષ્ટ્ર અને ધર્મના રક્ષણ માટે સર્વોચ્ચ સમર્પણ"ના આદર્શને પુનઃજીવંત કરે છે. પરમવીર ચક્ર પર કોતરાયેલું ઇન્દ્રનું વજ્ર દરેક ભારતીયને યાદ અપાવે છે કે વ્યક્તિગત હિત કરતાં રાષ્ટ્રધર્મ હંમેશા પરમ ઉપરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
