News of Tuesday, 10th November 2026
'દિવાળી દિવાળી છે, ઈદ ઈદ છે': તહેવારો અંગેની ખડગેની ટિપ્પણી પર ભાજપે સાધ્યું તીખું નિશાન
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા દિવાળીને "ખુશીઓ કા ઈદ" કહેવા બદલ ભાજપે તુષ્ટિકરણની રાજનીતિ અને હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો મૂક્યો આરોપ

નવી દિલ્હી :ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ નેતૃત્વ પર આકરા પ્રહારો કરતા પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પર તુષ્ટિકરણની રાજનીતિ કરવા અને હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. શનિવારે દિવાળીની શુભેચ્છાઓ આપતી વખતે ખડગેએ આ તહેવારને દેશભરમાં ઉજવાતો "ખુશીઓ કા ઈદ" કહ્યો હતો, જેના જવાબમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ સોમવારે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે દિવાળીની પોતાની પવિત્રતા, પરંપરા અને ઓળખ છે અને તેને ઈદ કહીને કોંગ્રેસ હિન્દુ તહેવારોની ઓળખને ક્ષીણ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ આ ટિપ્પણીને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને તેમના પરિવાર સાથે જોડીને વિરોધ નોંધાવ્યો હતો.
બીજી તરફ, કોંગ્રેસના નેતા પવન ખેરાએ ભાજપ પર વળતો પ્રહાર કરતા સ્પષ્ટતા કરી હતી કે 'ઈદ' શબ્દનો ઉપયોગ ઘણીવાર ખુશી કે તહેવારના રૂપક (મેટાફર) તરીકે થાય છે અને ભાજપે નેતાઓ પાસે ડિક્શનરી કે ગૂગલ કરીને તેનો અર્થ સમજવો જોઈએ. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ પણ આ મુદ્દાને સમર્થન આપતા ઉમેર્યું કે આનંદ વ્યક્ત કરવા માટે 'ઈદ કા ચાંદ' જેવા પ્રયોગો સામાન્ય છે, પરંતુ ગૌરવ ભાટિયાએ પલટવાર કરતા આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના નેતાઓ દિવાળી સમયે પસંદગીપૂર્વક પ્રદૂષણની ચિંતાઓ ઉઠાવે છે અને તેમની ધર્મનિરપેક્ષતાની વ્યાખ્યા બહુમતી સમાજને ચૂપ કરાવી કટ્ટરપંથીઓ સમક્ષ શરણે થવાની છે.
અગાઉ પણ તહેવારો અને ધાર્મિક ટિપ્પણીઓને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અનેકવાર રાજકીય સંગ્રામ ખેલાઈ ચૂક્યો છે, અને આ નવી ટિપ્પણીથી બંને પક્ષો વચ્ચેનો વાગ્યુદ્ધ વધુ તીવ્ર બન્યો છે.
આ નિવેદન બાદ દેશના રાજકારણમાં તહેવારોની ભાષા અને ધાર્મિક ઓળખ અંગે નવેસરથી ચર્ચા શરૂ થઈ ગઈ છે, અને આવનારા દિવસોમાં આ વિવાદ આગામી રાજકીય ચૂંટણીઓ તથા રેલીઓમાં વધુ ઉગ્ર રૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
