<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

દિવાળી એટલે માત્ર શ્રીરામનું અયોધ્યા આગમન નહીં: જાણો પર્વ સાથે જોડાયેલી ૬ અજાણી ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ

ઉજવણીના આ પવિત્ર અવસર પાછળ રહેલી છે વિવિધ સંસ્કૃતિઓ અને ધર્મોની રોચક ગાથાઓ, જે ભારતીય ઉપખંડની સનાતન પરંપરાને અનોખી રીતે ઉજાગર કરે છે

અયોધિયા : દિવાળીનું નામ સાંભળતાં જ સામાન્ય રીતે મનમાં લંકાપતિ રાવણ પર વિજય મેળવીને ૧૪ વર્ષના વનવાસ બાદ પ્રભુ શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજીના અયોધ્યા આગમનની છબી ઉપસી આવે છે, પરંતુ આ પર્વ માત્ર અયોધ્યા પૂરતો સીમિત નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ અને વિવિધ યુગો સાથે જોડાયેલી ૬ મોટી ઐતિહાસિક કથાઓ આ પાવન દિવસ સાથે વણાયેલી છે.

 

રામાયણ અનુસાર, ૧૪ વર્ષના વનવાસ અને રાવણના વધ બાદ પ્રભુ શ્રીરામ અયોધ્યા પરત ફર્યા ત્યારે સમગ્ર નગરીએ માટીના દીવાઓ પ્રગટાવીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું, જે અસત્ય પર સત્યના વિજય, આશા અને નવી ઉર્જાનું પ્રતીક બન્યું હોવાથી આ પરંપરા આજે પણ અક્ષુણ્ણ રહી છે.

 

પૌરાણિક માન્યતા મુજબ, અત્યાચારી અસુરે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી ૧૬,૦૦૦થી વધુ સ્ત્રીઓને બંદી બનાવી લીધી હતી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ માતા સત્યભામાની સહાયથી નરકાસુરનો વધ કરીને તમામ નિર્દોષ સ્ત્રીઓને મુક્ત કરાવી હતી, જેને 'નરક ચતુર્દશી' કે નાની દિવાળી તરીકે ઉજવવામાં આવે છે.

 

સિખ સમુદાય માટે આ દિવસ આઝાદી અને ન્યાયનું પ્રતીક છે કારણ કે મુઘલ બાદશાહ જહાંગીરે કેદ કરેલા સિખોના છઠ્ઠા ગુરુ, ગુરુ હરગોબિંદ સાહેબ આ દિવસે ગ્વાલિયરના કિલ્લામાંથી મુક્ત થયા હતા અને અન્ય ૫૨ હિન્દુ રાજાઓને પણ મુક્તિ અપાવી હતી, જેની સ્મૃતિમાં સુવર્ણ મંદિરને દીપમાળાઓથી શણગારવામાં આવે છે.

 

દેવો અને દાનવો દ્વારા કરવામાં આવેલા ક્ષીરસાગરના સમુદ્ર મંથનમાંથી ૧૪ રત્નો પૈકી ધન અને વૈભવની અધિષ્ઠાત્રી દેવી માં લક્ષ્મીજી કમળ પર બિરાજમાન થઈને પ્રગટ થયા હતા અને શ્રીહરિ વિષ્ણુને પતિ તરીકે સ્વીકાર્યા હતા, જેના પ્રાગટ્ય ઉત્સવ તરીકે દિવાળી પર વિશેષ લક્ષ્મી પૂજન કરવામાં આવે છે.

 

જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ કારતક અમાસના દિવસે બિહારના પાવાપુરી ખાતે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો અને તેમના નિર્વાણ બાદ ફેલાયેલા આધ્યાત્મિક અંધકારને દૂર કરવા અનુયાયીઓએ દીવાઓ પ્રગટાવ્યા હતા, જ્યારે વામન અવતાર ધારણ કરીને રાજા બલિને પાતાળ લોકનું રાજ્ય સોંપવાના પ્રસંગની યાદમાં 'બલિ પ્રતિપદા'ની ઉજવણી કરવામાં આવે છે.

(7:10 PM IST)