<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

ડી.કે. શિવકુમાર બનશે નવા સુકાની : કોંગ્રેસ વિધાયક દળની બેઠકમાં સર્વાનુમતે નેતા ચૂંટાયા

સિદ્ધારમૈયાના રાજીનામા બાદ હાઈકમાન્ડની હાજરીમાં લેવાયો મોટો નિર્ણય: આગામી ૩ જૂને લોકભવનના ગ્લાસ હાઉસમાં યોજાશે ભવ્ય શપથગ્રહણ સમારોહ

બેંગલુરુ:  કર્ણાટકના રાજકારણમાં આખરે લાંબા સમયથી ચાલી રહેલી સસ્પેન્સનો અંત આવ્યો છે અને સત્તાના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. બેંગલુરુમાં યોજાયેલી કોંગ્રેસ વિધાયક દળ (CLP) ની મહત્વની બેઠકમાં વરિષ્ઠ નેતા ડી.કે. શિવકુમારને સર્વાનુમતે નવા નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે, જેનાથી તેમના મુખ્યમંત્રી બનવાનો માર્ગ સાફ થઈ ગયો છે. આ બેઠકમાં ખુદ પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ડી.કે. શિવકુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ ધારાસભ્યોએ ભારે હર્ષોલ્લાસ સાથે સ્વીકારી લીધો હતો. આ હાઈ-પ્રોફાઈલ બેઠક કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલ અને કર્ણાટક પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાની સીધી દેખરેખ હેઠળ યોજાઈ હતી.

નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ ડી.કે. શિવકુમાર આગામી ૩ જૂન, બુધવારના રોજ સાંજે ૪:૦૫ વાગ્યે સત્તાવાર રીતે પદ અને ગોપનીયતાના શપથ લેશે. બેંગલુરુના લોકભવનમાં આવેલા ગ્લાસ હાઉસ ખાતે એક ગરિમાપૂર્ણ સમારંભમાં આ શપથગ્રહણ યોજાશે. અગાઉ વિધાનસભાના મુખ્ય પગથિયાં પર આ ભવ્ય કાર્યક્રમ યોજવાની ચર્ચા હતી, પરંતુ રાજધાનીમાં ટ્રાફિક વ્યવસ્થા અને પ્રચંડ ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષાના કારણોસર કાર્યક્રમ લોકભવનની અંદર રાખવાનો મોટો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે અગાઉના મંત્રીમંડળનું રાજીનામું સ્વીકારીને જૂની સરકાર ભંગ કરી દીધી છે.

આ રાજકીય ફેરબદલ પહેલાં કર્ણાટકના રાજકારણમાં ભારે દોડધામ જોવા મળી હતી. પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ ૨૮ મેના રોજ હાઈકમાન્ડની સલાહ અને પોતાની સ્વેચ્છાથી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ડી.કે. શિવકુમારે નવી દિલ્હી જઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સાથે લાંબી મંત્રણા કરી સરકારની નવી રૂપરેખા તૈયાર કરી હતી. હવે વિધાયક દળના નેતા બન્યા બાદ શિવકુમાર ટૂંક સમયમાં જ રાજ્યપાલ થાવરચંદ ગેહલોત સમક્ષ ઔપચારિક રીતે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે, જેનાથી દક્ષિણના આ મહત્વના રાજ્યમાં કોંગ્રેસ શાસનનો નવો અધ્યાય શરૂ થશે.

(7:17 PM IST)