<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

"બેડશીટ વાપરવાની સાચી રીત જાણો છો?": ટ્રેનના AC કોચમાં બે બેડશીટ આપવા પાછળનું અસલી કારણ આવ્યું સામે; રેલવે મંત્રાલયે આપ્યો મોટો ખુલાસો

મુસાફરોની સેહત અને સ્વચ્છતા સાથે જોડાયેલું છે આ મોટું રહસ્ય; વૂલન બ્લેન્કેટ અને શરીર વચ્ચે સુરક્ષા કવચ બને છે બીજી ચાદર

નવી દિલ્હી :  ભારતીય રેલવેના AC કોચમાં મુસાફરી કરવી એ હંમેશાં આરામદાયક અનુભવ રહ્યો છે. ટ્રેનમાં સફર કરતી વખતે રેલવે દ્વારા મુસાફરોને એક કમ્પ્લીટ બેડરોલ કિટ આપવામાં આવે છે, જેમાં ઓશીકું, ઓશીકાનું કવર, ધાબળો, ટુવાલ અને બે સફેદ ચાદર (બેડશીટ) હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રેલવે દરેક મુસાફરને એકના બદલે બે ચાદર કેમ આપે છે?

મોટાભાગના મુસાફરો પોતાની અનુકૂળતા મુજબ બંને ચાદર સીટ પર પાથરી દે છે અથવા તો એક ચાદર ઓઢીને બીજી ચાદર સીટ પર પાથરે છે. પરંતુ હાલમાં રેલવે મંત્રાલયે સંસદમાં સ્પષ્ટતા કરતા બંને ચાદરના ઉપયોગ પાછળનું સાચું અને આરોગ્યપ્રદ કારણ જાહેર કર્યું છે.

બંને બેડશીટનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો?

રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર AC ક્લાસમાં સ્વચ્છતા અને હાઇજીન જાળવવા માટે જ બે ચાદર પૂરી પાડવામાં આવે છે:

·         પ્રથમ ચાદર: આ ચાદર સ્લીપર સીટ કે બર્થ પર પાથરવા માટે આપવામાં આવે છે.

·         બીજી ચાદર: આ ચાદર ધાબળા (બ્લેન્કેટ) ની નીચે અને તમારા શરીરની ઉપર ઓઢવા માટે છે.

"ટ્રેનમાં મળતા વૂલન બ્લેન્કેટ (ઊનના ધાબળા) દરેક સફર પછી ધોવામાં આવતા નથી. બીજી ચાદરનો મુખ્ય હેતુ એ છે કે અનધૂએલા ધાબળાનો સીધો સંપર્ક તમારા શરીર કે ત્વચા સાથે ન થાય અને બેક્ટેરિયા તેમજ ઈન્ફેક્શનથી રક્ષણ મળે. જ્યારે ચાદર દરેક સફર પછી ડ્રાયક્લીન કરીને જ આપવામાં આવે છે."

— રેલવે મંત્રાલયનો સત્તાવાર ખુલાસો

હવે આવશે કવરવાળા ધાબળા: રેલવેની નવી પહેલ

મુસાફરોની સુવિધામાં વધુ વધારો કરવા માટે રેલવેએ હવે એક નવી વ્યવસ્થા શરૂ કરી છે. જે અંતર્ગત ધાબળાને અલગથી ચાદર આપવાને બદલે પહેલેથી જ ધોઈ શકાય તેવું કવર (Cover) ચડાવીને આપવામાં આવી રહ્યું છે. હાલમાં ઉત્તર પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો અને કામાખ્યા-હાવડા વંદે ભારત સ્લીપર એક્સપ્રેસમાં આ સુવિધા પ્રાયોગિક ધોરણે શરૂ કરાઈ છે, જેને પ્રવાસીઓ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.

રેલવે કેટલા સમયે બદલે છે પોતાના કપડાં અને બ્લેન્કેટ?

નિયમ મુજબ રેલવે ચોક્કસ સમયગાળા પછી પોતાના જૂના કાપડ નકામા (Condemn) કરી નવા લિનન ખરીદે છે:

·         ટુવાલ અને ઓશીકાના કવર: દર ૯ મહિને

·         હેન્ડલૂમ લિનન (ચાદર): દર ૧૨ મહિને

·         પોલીવસ્ત્ર / KVIC નો સામાન: દર ૨૪ મહિને

·         ઓશીકા અને ઊનના ધાબળા: દર ૨૪ મહિને

આગામી સમયે જ્યારે પણ તમે AC ટ્રેનમાં સફર કરો ત્યારે ધાબળાની નીચે બીજી ચાદરનો ઉપયોગ કરવાનો ભૂલતા નહીં!

(7:21 PM IST)