તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
ડોબારા-ચાટી તળાવ પર ભારે પવન વચ્ચે ફ્લોટિંગ હટમેન્ટ્સ તૂટીને વહેવા લાગ્યા; SDRF ટીમે 30 લોકોના બચાવ્યા જીવ
SDRFના જવાનોએ એક-એક કરીને ફ્લોટિંગ હટમેન્ટ સુધી પહોંચીને તેમાં ફસાયેલા તમામ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢ્યા:આ કપરા ઓપરેશન દરમિયાન ટીમે અંદાજે 25 થી 30 વ્યક્તિઓને મોતના મુખમાંથી બહાર કાઢ્યા

ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ સ્થિત ડોબરા-ચાંટી લેક વિસ્તારમાં શનિવારે સાંજે અચાનક ત્રાટકેલા ભીષણ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. તળાવમાં ઉછળતા મોજા અને તેજ પવનને કારણે પ્રવાસીઓ માટે બનાવાયેલા ફ્લોટિંગ હટમેન્ટ્સ તૂટીને વહેવા લાગ્યા હતા, જેમાં અનેક લોકો ફસાઈ ગયા હતા. SDRFની ટીમે જીવના જોખમે રાત્રિના અંધકારમાં ઓપરેશન હાથ ધરીને એક મોટી દુર્ઘટના ટાળી હતી.
તાજેતરમાં જબલપુરના બરગી ડેમમાં થયેલી ક્રૂઝ દુર્ઘટના જેવી જ સ્થિતિ 2 મે 2026ના રોજ ટિહરીમાં સર્જાઈ હતી. સાંજે અંદાજે 07:45 વાગ્યે અચાનક હવામાન પલટાયું અને તેજ પવન સાથે ઊંચા મોજા ઉછળવા લાગ્યા. આ કુદરતી આફતને કારણે પ્રવાસીઓ રોકાયા હતા તે ફ્લોટિંગ હટમેન્ટ્સ ક્ષતિગ્રસ્ત થઈને પાણીમાં ખેંચાવા લાગ્યું હતું. પ્રવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. જોકે, SDRFની ટીમો અગાઉથી જ એલર્ટ મોડ પર હતી, જેને કારણે બચાવ કામગીરી ત્વરિત શરૂ કરી શકાઈ હતી. સમગ્ર ઘટનાને પગલે SDRFની ટીમ જરૂરી રેસ્ક્યુ સાધનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રાત્રિનો સમય, મર્યાદિત વિઝિબિલિટી અને તોફાની પવન જેવા પડકારો વચ્ચે ટીમે અત્યંત સંયમ અને વ્યાવસાયિક કુશળતાનો પરિચય આપ્યો હતો. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને ટીમ પહેલાથી જ સતર્ક હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
SDRFના જવાનોએ એક-એક કરીને ફ્લોટિંગ હટમેન્ટ સુધી પહોંચીને તેમાં ફસાયેલા તમામ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ કપરા ઓપરેશન દરમિયાન ટીમે અંદાજે 25 થી 30 વ્યક્તિઓને મોતના મુખમાંથી બહાર કાઢ્યા હતા. તમામ પ્રવાસીઓને પર્યટન વિભાગની બોટ દ્વારા સુરક્ષિત રીતે કોટી કોલોની પહોંચાડવામાં આવ્યા હતા. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને કારણે ઉત્તરાખંડમાં ફરી એકવાર મોટી જાનહાનિ ટળી છે, અને SDRFની આ કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
