તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
"તબીબો આપણી હેલ્થકેર સિસ્ટમની મજબૂત કરોડરજ્જુ": રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી હાર્દિક શુભેચ્છા
છેલ્લા એક દાયકામાં દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા બમણી થઈ; પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ ડૉ. બી. સી. રોયની સ્મૃતિમાં ઉજવાતા ખાસ દિવસ પર પીએમ મોદીએ ડૉક્ટરોના સમર્પણ અને કરુણાભાવને બિરદાવ્યો

નવી દિલ્હી, તા.૦૧: દેશભરમાં દર્દીઓને નવજીવન આપનારા અને સ્વાસ્થ્યની રક્ષા કરનારા તબીબોના સન્માનમાં આજે 'રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ' (National Doctor's Day 2026) ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ ડૉક્ટરોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વિશેષ સંદેશ શેર કરીને હાર્દિક શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ડૉક્ટરોને રાષ્ટ્રની આરોગ્યસંભાળ વ્યવસ્થાના મુખ્ય આધારસ્તંભ અને કરોડરજ્જુ ગણાવીને સમાજ પ્રત્યેના તેમના અથાક સમર્પણ અને અમૂલ્ય યોગદાન બદલ સમગ્ર દેશ વતી આભાર વ્યક્ત કર્યો હતો.
ડૉક્ટરોની કરુણા અને અથાક મહેનત વંદનીય: PM મોદી
વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશમાં તબીબોની પ્રશંસા કરતા લખ્યું કે, “ડૉક્ટર્સ દિવસ નિમિત્તે, આપણા તમામ સમર્પિત ડૉક્ટરોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેમની સખત મહેનત, કરુણા અને પ્રતિબદ્ધતા જ ભારતની હેલ્થકેર સિસ્ટમને મજબૂત બનાવે છે. ઘણીવાર અત્યંત પડકારજનક અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તેઓ જે રીતે અથાક પ્રયાસો કરે છે, તેનાથી તેમણે અસંખ્ય લોકોનો વિશ્વાસ અને કૃતજ્ઞતા જીત્યા છે.” વડાપ્રધાને તમામ ડૉક્ટરોના સારા સ્વાસ્થ્ય અને સફળતા માટે ભગવાનને પ્રાર્થના પણ કરી હતી.
મેડિકલ ક્ષેત્રે ક્રાંતિ: ૧૦ વર્ષમાં સીટો અને કોલેજો બમણી થઈ
ભારતની હેલ્થકેર ઇકોસિસ્ટમ વિશે વાત કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં દેશે તબીબી શિક્ષણ અને સુવિધાઓના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા બમણીથી વધુ થઈ ગઈ છે, જ્યારે અંડરગ્રેજ્યુએટ (MBBS) અને પોસ્ટગ્રેજ્યુએટ (MD/MS) ની તબીબી બેઠકોમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. આ ક્રાંતિકારી પરિવર્તનના કારણે દેશના લાખો મહત્વાકાંક્ષી યુવાનો માટે ડૉક્ટર બનવાની નવી તકો ખુલી છે. આનાથી એક સક્ષમ અને વિશાળ મેડિકલ વર્કફોર્સ તૈયાર થઈ રહ્યો છે, જે એ વાતની ખાતરી આપે છે કે દેશના અંતરિયાળ ખૂણા સુધી ગુણવત્તાયુક્ત સારવાર પહોંચી શકે.
'વિકસિત ભારત'ના નિર્માણમાં ડૉક્ટરોની ભૂમિકા મહત્વની
પીએમ મોદીએ ભવિષ્યના વિઝન અંગે ઉમેર્યું કે, “આપણે જ્યારે વર્ષ ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત' બનાવવાની દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ, ત્યારે આપણા ડૉક્ટરોની ભૂમિકા વધુ મહત્વની બની જાય છે. તેઓ નિવારક આરોગ્યસંભાળ (Preventive Healthcare) ને પ્રોત્સાહન આપવામાં, અદ્યતન તબીબી સંશોધનો (Medical Research) ને આગળ ધપાવવામાં, નવી ટેકનોલોજી અને ઇનોવેશન અપનાવવામાં તેમજ દેશના દરેક નાગરિક સુધી સસ્તી અને સુલભ આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં અગ્રણી ભૂમિકા ભજવતા રહેશે.”
જાણો શા માટે ઉજવાય છે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ?
ભારતમાં દર વર્ષે ૧ જુલાઈના રોજ 'રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ' ઉજવવાની પરંપરા છે. દેશના પ્રખ્યાત ચિકિત્સક, સ્વાતંત્ર્ય સેનાની અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડૉ. બિધાનચંદ્ર રોય (Dr. B.C. Roy) ના દેશ પ્રત્યેના યોગદાન અને સ્મૃતિમાં આ દિવસ મનાવવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે ૧ જુલાઈના રોજ જ તેમનો જન્મ થયો હતો અને આ જ તારીખે તેમનું અવસાન થયું હતું. ભારતીય મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા વર્ષ ૧૯૯૧ માં આ દિવસની સ્થાપના કરવામાં આવી હતી. ડૉ. બી. સી. રોયે સોલ્ટ લેક, કલ્યાણી, દુર્ગાપુર અને અશોકનગર જેવા અદ્યતન શહેરો અને અનેક પ્રમુખ તબીબી સંસ્થાઓના નિર્માણમાં શિલ્પી તરીકેની મુખ્ય ભૂમિકા ભજવી હતી.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
