<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

ડોક્‍ટરોએ પેટમાંથી કાઢયો ૧.૧૬ કિલોનો વાળનો ગોળો

૧૧ વર્ષ સુધી પોતાના જ વાળ ખાતી રહી MBBSની સ્‍ટુડન્‍ટ : વાળનો જથ્‍થો યુવતીના પેટમાં ખોરાક સાથે ભેગો થઈને J આકારના કડક પથ્‍થર જેવો ગોળો બની ગયો હતો

નવી દિલ્‍હી,તા.૮: ઘર કરી ગયેલી માનસિક વિકૃતિ અને આદતો પર પ્રકાશ પાડતો એક ચોંકાવનારો કિસ્‍સો દિલ્‍હીની મણિપાલ હોસ્‍પિટલમાંથી સામે આવ્‍યો છે. ૨૦ વર્ષની MBBSની વિદ્યાર્થિનીના પેટમાંથી ડોક્‍ટરોએ સર્જરી કરીને ૧.૧૬ કિલો વજન ધરાવતો વાળનો ગોળો એટલે કે હેર-બોલ બહાર કાઢ્‍યો હતો.

આ સ્‍ટુડન્‍ટને નાનપણથી એટલે કે છેલ્‍લાં ૧૧ વર્ષથી પોતાના જ વાળ તોડીને-તોડીને ખાવાની આદત હતી. આ આદતે આખરે પોતાનો રંગ બતાવ્‍યો હતો અને પેટમાં અસહ્ય દુખાવો, ઊલટીઓ અને વજન ઘટવાની સમસ્‍યા સાથે તેણે હોસ્‍પિટલમાં પહોંચવું પડ્‍યું હતું.

તબીબી તપાસ અને એન્‍ડોસ્‍કોપી દરમ્‍યાન ડોક્‍ટરો પણ દંગ રહી ગયા હતા. યુવતીના પેટમાં વાળનો વિશાળ જથ્‍થો જમા થઈ ગયો હતો, જે અન્નનળીથી લઈને નાના આંતરડા સુધી J આકારમાં ફેલાયેલો હતો.

માનવશરીર વાળને પચાવી શકતું નથી એટલે ૧૧ વર્ષથી સતત વાળ ખાવાને કારણે આ વાળનો જથ્‍થો યુવતીના પેટમાં ખોરાક સાથે ભેગો થઈને J આકારના કડક પથ્‍થર જેવો ગોળો બની ગયો હતો, જેને કારણે પેટમાં ખોરાક માટે જગ્‍યા જ નહોતી બચી.વાળનો ગોળો એટલો મોટો અને મજબૂત હતો કે એન્‍ડોસ્‍કોપીથી નીકળે એમ નહોતો. આખરે ડોક્‍ટરોની ટીમે ખાસ લેપ્રોસ્‍કોપિક સર્જરી કરીને અને પેટ પર નાનો કાપો મૂકીને સુરક્ષિત રીતે આ ૧.૧૬ કિલોનો વાળનો ગોળો બહાર કાઢ્‍યો હતો.

તબીબી ભાષામાં પોતાના જ વાળ ખાવાની આ માનસિક બીમારીને ટ્રાઇકોફેજિયા કહેવાય છે. ઘણી વાર દરદીઓ શરમના કારણે આ વાત કોઈને કહેતા નથી અને વર્ષો સુધી પેટમાં વાળ જમા થતા રહે છે. હાલ સર્જરી બાદ સ્‍ટુડન્‍ટની તબિયત સુધારા પર છે અને તે ફરી પોતાનો અભ્‍યાસ શરૂ કરી ચૂકી છે. જોકે ડોક્‍ટરોએ તેને સાઇકોલોજિકલ કાઉન્‍સેલિંગ લેવાની સલાહ આપી છે.

(3:30 PM IST)