તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
શું ગરમીમાં તમારો iPhone પણ 'ચાર્જિંગ ઓન હોલ્ડ' બતાવે છે? આ 5 ખતરનાક આદતો અત્યારે જ બદલો નહીં તો મોંઘો ફોન થઈ જશે ભંગાર
40 ડિગ્રીથી વધુના તાપમાનમાં આઇફોનની બેટરી અને સેન્સર પર જોખમ: સ્ક્રીન ઝાંખી થવી કે કેમેરા લેગ થવો એ ગંભીર ચેતવણી, ડિવાઇસને ઠંડુ રાખવા અને બેટરી હેલ્થ બચાવવા માટે નિષ્ણાતોએ આપી મહત્વની ટિપ્સ

રાજકોટ :ભારતના અનેક રાજ્યોમાં પારો 42 ડિગ્રીને પાર કરી રહ્યો છે ત્યારે માત્ર માણસો જ નહીં, પરંતુ ખિસ્સામાં રહેલા પ્રીમિયમ ગેજેટ્સ પણ ગરમીથી હાંફી રહ્યા છે. એપલના જણાવ્યા અનુસાર આઇફોન 0 થી 35 ડિગ્રી સેલ્સિયસ માટે ડિઝાઇન કરાયેલ છે, પરંતુ ઉનાળામાં આ મર્યાદા ઓળંગાતા ફોન 'થર્મલ મેનેજમેન્ટ મોડ'માં આવી જાય છે. જો તમારા આઇફોનની ડિસ્પ્લે અચાનક ઝાંખી થઈ જાય, 80 ટકા પછી ચાર્જિંગ અટકી જાય કે ફ્લેશ લાઈટ બંધ થઈ જાય, તો સમજી લેવું કે તમારો ફોન અંદરથી ભઠ્ઠીની જેમ તપી રહ્યો છે. આ સ્થિતિમાં ફોનનો સતત વપરાશ બેટરીને કાયમી નુકસાન પહોંચાડી શકે છે.
ઉનાળામાં આઇફોનને બચાવવા માટે સૌથી પહેલા તેના પર લગાડેલા ભારે અથવા મજબૂત કવરને દૂર કરવા જોઈએ, કારણ કે આ કવર ગરમીને બહાર નીકળતા રોકે છે અને ફોનને અંદરથી વધુ ગરમ કરે છે. આ ઉપરાંત, વાયરલેસ ચાર્જરનો ઉપયોગ ટાળવો હિતાવહ છે કારણ કે તે ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન વધુ ઉષ્મા પેદા કરે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે ફોનને હંમેશા ઓરિજિનલ કેબલથી અને બને ત્યાં સુધી એસી રૂમમાં જ ચાર્જ કરવો જોઈએ. જો ફોન પર કાળી ચેતવણી સ્ક્રીન અને થર્મોમીટર આઇકોન દેખાય, તો તેને તાત્કાલિક સ્વીચ ઓફ કરી ઠંડી જગ્યાએ રાખવો જોઈએ.
વાહન ચલાવતી વખતે ફોનને કારના ડેશબોર્ડ પર અથવા સીધા સૂર્યપ્રકાશમાં રાખવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ, કારણ કે સૂર્યના તેજ કિરણો મિનિટોમાં જ સેન્સર અને ડિસ્પ્લેને કાયમી નુકસાન કરી શકે છે. ભારે ગેમ્સ રમવી કે હાઈ-ડેફિનેશન વીડિયો શૂટ કરવાથી પણ આ દિવસોમાં બચવું જોઈએ. જો તમે આ નાની પણ મહત્વની બાબતોનું ધ્યાન રાખશો, તો તમારો કિંમતી આઇફોન આ કાળઝાળ ગરમીમાં પણ સુરક્ષિત રહેશે અને તેની કાર્યક્ષમતા જળવાઈ રહેશે. ગેજેટ્સની સુરક્ષા માટે આ 'કૂલિંગ ટિપ્સ' અત્યારે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહી છે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
