તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
માણસોના સ્મશાનમાં કૂતરાના અંતિમ સંસ્કાર! રૂ.૭૦૦માં સજાવી ચિતા
ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં આવેલા એક સ્મશાનમાં કૂતરાના અંતિમ સંસ્કાર કરવાને લઈને વિવાદ સામે આવ્યોઃ FIR

આગ્રા,તા.૨૩: ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં માણસોના અંતિમ સંસ્કાર માટે બનાવવામાં આવેલા સ્મશાનમાં કૂતરાના અંતિમ સંસ્કાર કરવામાં આવતાં વિવાદ ઊભો થયો છે. સમગ્ર મામલો તાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મોક્ષધામનો છે. આરોપ છે કે કૂતરાની ચિતા સજાવવા માટે ૭૦૦ રૂપિયા પણ ચૂકવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થયા બાદ ફરિયાદ કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
મીડિયા અહેવાલો અનુસાર, તાજગંજ મોક્ષધામમાં માણસોના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવતા સ્થળે કૂતરાની ચિતા સળગાવવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી. આ અંગે જાણ થતાં બજરંગ દળના પૂર્વ મહાનગર સંયોજક અનુપમ પંડિત ત્યાં પહોંચ્યા હતા. તેમણે સ્મશાનની વ્યવસ્થાપન સમિતિના સભ્યો સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમનો આરોપ છે કે ફરિયાદ કરવા પર તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. જોકે, સ્મશાન સમિતિના અધ્યક્ષે ગેરવર્તનના આરોપને નકારી કાઢ્યો છે.
આ મામલે તાજગંજ પોલીસે ફરિયાદના આધારે સ્મશાનની વ્યવસ્થાપન સમિતિના હોદ્દેદારો, મેનેજર અને કર્મચારીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપોની તપાસ કર્યા બાદ પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તપાસ કરી રહી છે કે મોક્ષધામના નિયમો હેઠળ પ્રાણીઓના અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી હતી કે નહીં, ચિતા સજાવવા માટે પૈસા કોણે લીધા અને કોઈ નિયમનો ભંગ થયો હતો કે નહીં. આ ઉપરાંત ફરિયાદમાં કરવામાં આવેલા ગેરવર્તનના આરોપોની પણ તપાસ કરવામાં આવશે.
આ મામલે સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે શું કોઈ પાળતુ પ્રાણીના અંતિમ સંસ્કાર માણસોના સ્મશાનમાં કાયદેસર રીતે કરી શકાય છે? તેનો જવાબ સંબંધિત સ્મશાનના નિયમો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની જોગવાઈઓ અને ઘટનાના સંજોગો પર આધાર રાખે છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ નગરપાલિકા અધિનિયમ, ૧૯૧૬ની કલમ ૨૭૫માં મૃત પ્રાણીઓના મૃતદેહના નિકાલ અંગે જોગવાઈઓ છે. આ હેઠળ પ્રાણીના મૃતદેહને નિર્ધારિત સ્થળે લઈ જવાની અથવા સંબંધિત નગરપાલિકાને જાણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, આ કલમમાં માણસોના સ્મશાનમાં પ્રાણીના અંતિમ સંસ્કાર કરવા પર સીધા જ ગુનો બનતો હોવાનું જણાવવામાં આવ્યું નથી.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
