તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
ઈરાન-અમેરિકા જંગમાં ડોલરનો વરસાદ: મિસાઈલોના આંધણ પાછળ અમેરિકાએ ૩૦ અબજ ડોલર સ્વાહા કર્યા, આર્થિક મોરચે વિશ્વ પર તોળાતું જોખમ
એક ટોમાહોક મિસાઈલની કિંમત ૨૯ કરોડ રૂપિયાથી વધુ હોવા છતાં અઠવાડિયામાં હજારોનો મારો, ઈરાને ૨૫૦૦ ડ્રોન છોડીને યુદ્ધને વધુ ખર્ચાળ બનાવ્યું, દરરોજ ૧૬ હજાર કરોડથી વધુનો લશ્કરી ખર્ચ દુનિયાને પાયમાલ કરવા તરફ

વોશિંગ્ટન : ફેબ્રુઆરી ૨૦૨૬માં શરૂ થયેલો અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે લશ્કરી મોરચાને બદલે આર્થિક તબાહીના રસ્તે આગળ વધી રહ્યો છે. હાર્વર્ડ કેનેડી સ્કૂલના ચોંકાવનારા અહેવાલ મુજબ, અમેરિકાએ અત્યાર સુધીમાં ૩૦ અબજ ડોલર (અંદાજે ૨.૫ લાખ કરોડ રૂપિયા) થી વધુનો ખર્ચ આ જંગમાં ઝીંક્યો છે. નૌકાદળની તૈનાતી અને ગુપ્તચર કામગીરી પાછળ અમેરિકા દરરોજ ૮૯૦ મિલિયનથી ૨ અબજ ડોલર જેવી અધધ રકમ ખર્ચી રહ્યું છે. યુદ્ધના શરૂઆતના માત્ર છ દિવસમાં જ ૧૨.૭ અબજ ડોલરનો ધુમાડો થઈ ગયો હતો, જે કોઈપણ શક્તિશાળી અર્થતંત્રના પાયા હચમચાવવા માટે પૂરતો છે.
યુએસ સૈન્યના ખર્ચમાં સૌથી મોટો હિસ્સો મોંઘા દારૂગોળા અને મિસાઈલોનો છે. ખાસ કરીને ૩.૫ મિલિયન ડોલરની એક એવી 'ટોમાહોક' મિસાઈલનો હજારોની સંખ્યામાં ઉપયોગ થતા અમેરિકી તિજોરી પર ભારે બોજ પડ્યો છે. શસ્ત્રોના ભંડાર ખાલી થઈ રહ્યા હોવાથી તેને ફરીથી ભરવાની પ્રક્રિયાએ સંરક્ષણ બજેટને વેરવિખેર કરી નાખ્યું છે. ધ ગાર્ડિયનના અહેવાલો મુજબ, આ યુદ્ધ અમેરિકા માટે ઇતિહાસનું સૌથી મોંઘું લશ્કરી અભિયાન સાબિત થઈ રહ્યું છે, જેની સીધી અસર તેની રાજકોષીય ખાધ અને વૈશ્વિક નાણાકીય સ્થિરતા પર પડી રહી છે.
બીજી તરફ, ઈરાને જોકે કોઈ સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી, પરંતુ તેની લશ્કરી પ્રવૃત્તિઓ જ તેની આર્થિક કિંમતની સાક્ષી પૂરે છે. માર્ચ ૨૦૨૬ સુધીમાં ઈરાને ૨૫૦૦ જેટલા ડ્રોન અને મિસાઈલો છોડીને પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે, જેની સામે તેને પોતાની હવાઈ સંરક્ષણ પ્રણાલી અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ ગુમાવવી પડી છે. આ જંગ હવે માત્ર જીત-હારનો નથી રહ્યો, પણ સંસાધનોના બગાડની સ્પર્ધા બની ગયો છે. બંને દેશોની આ જીદ પ્રાદેશિક સુરક્ષાને અનિશ્ચિત બનાવી રહી છે અને ભવિષ્યમાં વૈશ્વિક બજારમાં ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો કરે તેવી ભીતિ સેવાઈ રહી છે.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
