તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાનને આતંકવાદનો પોષક ગણાવી ક્યારેય પરમાણુ હથિયાર ન બનાવવા દેવાની ચેતવણી આપી
ટ્રમ્પે અમેરિકી સેના અને અર્થતંત્રની પ્રશંસા કરતાં દાવો કર્યો કે તેમણે ટેરિફના જોરે ભારત-પાકિસ્તાન સહિત વિશ્વના 8 સંભવિત યુદ્ધો અટકાવીને કરોડો લોકોના જીવ બચાવ્યા.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના (UNGA) 81મા સત્રને સંબોધિત કરતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક મંચ પરથી ઈરાન સહિતના વિરોધી દેશો સામે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. પોતાના સંબોધનમાં ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા ફરી એકવાર પૂર્ણ તાકાત સાથે વૈશ્વિક ફલક પર પરત ફર્યું છે અને આજે અમેરિકા પહેલા કરતાં ઘણું વધુ શક્તિશાળી અને આર્થિક રીતે સક્ષમ બન્યું છે.
ઈરાન પર સીધો પ્રહાર કરતાં તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે મિડલ ઈસ્ટમાં ઈરાનની દાદાગીરીનો અંત આવી ચૂક્યો છે અને તેઓ ઈરાનને ક્યારેય પરમાણુ બોમ્બ કે ન્યુક્લિયર હથિયારો મેળવવા દેશે નહીં.
ઈરાન પર આકરા પ્રહારો કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, "ઈરાન આતંકવાદને પ્રોત્સાહન આપનારો વિશ્વનો નંબર-1 દેશ છે. છેલ્લા 51 વર્ષોથી ત્યાંની કટ્ટરપંથી સરકારે માત્ર રક્તપાત, હત્યાઓ અને અરાજકતાના જોરે જ શાસન ચલાવ્યું છે." તેમણે ઉમેર્યું કે ઈરાને સમગ્ર મધ્ય પૂર્વ અને તેનાથી પણ આગળ માત્ર વિનાશ વેર્યો છે, પરંતુ હવે તેની મનમાની ચાલશે નહીં. ટ્રમ્પે જણાવ્યું કે તેમની સામે બે વિકલ્પો છે—કાં તો ઈરાન સાથે કડક શરતોએ કરાર કરી તેને સુધરવાની તક આપવી અથવા ઇસ્લામિક રિપબ્લિકનો એવો અંત લાવવો જેથી તે ક્યારેય નિર્દોષોના લોહી ન વહાવી શકે. તેમણે મિડ-ટર્મ ચૂંટણીઓ બાદ સમજૂતીની આશા પણ વ્યક્ત કરી હતી.
પોતાના ભાષણમાં ટ્રમ્પે અમેરિકાની તાકાતનો ગર્વપૂર્વક ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આજે વિશ્વનું કોઈપણ દેશ અમેરિકાની સૈન્ય તાકાત અને ટેકનોલોજીની બરાબરી કરી શકે તેમ નથી. અમેરિકી અર્થવ્યવસ્થા એટલી તેજીમાં છે કે દુનિયા તેની ઈર્ષ્યા કરે છે. અમેરિકી ઉર્જા સ્ત્રોતોના જોરે આખું વિશ્વ ચાલી રહ્યું છે.
આ ઉપરાંત, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી યુએસ નેવી દ્વારા રોજેરોજ તેલના અબજો બેરલ અને ડઝનબંધ જહાજોને સલામત રીતે બહાર કાઢી વૈશ્વિક સપ્લાય ચેઇન સુરક્ષિત રાખવામાં આવી રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક શાંતિનો દાવો કરતાં ફરી એકવાર ચોંકાવનારું નિવેદન આપ્યું કે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ટ્રેડ પોલિસી અને ટેરિફની ધમકીઓના દમ પર ભારત-પાકિસ્તાન તેમજ આર્મેનિયા-અઝરબૈજાન સહિત કુલ 8 મોટા યુદ્ધો અટકાવ્યા છે. ટ્રમ્પે જણાવ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાને 3 કરોડથી વધુ લોકોના જીવ બચાવવા બદલ તેમનો આભાર માન્યો હતો. વેનેઝુએલાનો દાખલો આપતાં તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકા પોતાના પશ્ચિમી ગોળાર્ધમાં દેશની સુરક્ષા સામે ખતરો બનતી કોઈપણ તાકાતને ક્યારેય પગપેસારો કરવા દેશે નહીં.
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
