<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાંથી આપેલા ભાષણમાં 'ડીપ સ્ટેટ' પર સાધ્યું નિશાન : ૨૦૨૦ની ચૂંટણીમાં ચીને મોટો ડેટા લીક કર્યો હોવાનો કોઈ પણ પુરાવા વિના દાવો કર્યો

અમેરિકાની ચૂંટણી વ્યવસ્થા ખામીયુક્ત હોવાના આક્ષેપ સાથે વિવાદાસ્પદ વોટિંગ બિલ પસાર કરવા કોંગ્રેસ પર દબાણ વધાર્યું : ભાષણનું જીવંત પ્રસારણ ન કરનાર ટીવી ચેનલોના લાઇસન્સ રદ્દ કરવાની ટ્રમ્પની ધમકી

વોશિંગ્ટન: અમેરિકામાં સંસદ (કોંગ્રેસ)ના સત્તા સંતુલનનો નિર્ણય કરવા માટે યોજાનારી ચૂંટણીના આશરે ૧૧૦ દિવસ પહેલા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના ઇસ્ટ રૂમમાંથી દેશને સંબોધિત કર્યો હતો. એક દુર્લભ પ્રાઇમટાઇમ સંબોધનમાં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે, સરકારી તંત્રની અંદર સક્રિય 'ડીપ સ્ટેટ' ના અમલદારોએ છ વર્ષ પહેલાં યોજાયેલી અને પોતે હારેલી ૨૦૨૦ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ચીન દ્વારા કરાયેલી કથિત દખલગીરીની વિગતો તેમની અને અમેરિકી જનતાથી છુપાવી હતી. આ ભાષણનું જીવંત પ્રસારણ કરવાની મોટાભાગની અગ્રણી ટીવી ચેનલોએ ના પાડી દીધી હતી.
ટ્રમ્પે કોઈપણ મજબૂત પુરાવા આપ્યા વિના એવો દાવો કર્યો કે અમેરિકાની ચૂંટણી પ્રક્રિયા હેકિંગ અને વિદેશી દખલગીરી સામે અત્યંત અસુરક્ષિત છે. તેમણે આક્ષેપ કર્યો કે ચીને ૨૨ કરોડ અમેરિકી મતદારોની ફાઇલો ગેરકાયદેસર રીતે મેળવીને ઇતિહાસનું સૌથી મોટું ડેટા લીક કૌભાંડ આચર્યું છે, જો કે આમાંનો મોટાભાગનો ડેટા વ્યાવસાયિક રીતે ખરીદી શકાય તેવો ઉપલબ્ધ છે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે 'શેડો ગવર્નમેન્ટ' ચલાવતા ભ્રષ્ટ અમલદારોએ રાષ્ટ્રપતિના દૈનિક બ્રીફિંગ્સ (PDB) માં ફેરફાર કરીને સીએઆઈ (CIA) અને એનએસએ (NSA) ના રિપોર્ટ્સ તેમની સુધી પહોંચવા દીધા નહોતા.

તમામ એજન્સીઓના જૂના અહેવાલો ટ્રમ્પના દાવાથી વિપરીત:
રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ દાવાઓથી વિપરીત, માર્ચ ૨૦૨૧ ના ઓડીએનઆઈ (ODNI) ના સત્તાવાર અહેવાલમાં સ્પષ્ટ કરાયું હતું કે ૨૦૨૦ની ચૂંટણીમાં ટેકનિકલ પ્રક્રિયામાં કોઈ વિદેશી દખલગીરી થઈ નથી અને ચીને પરિણામ બદલવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો. તેની સામે, રશિયાએ જરૂર જો બાઇડેનની ઉમેદવારી નબળી પાડવા અને ડોનાલ્ડ ટ્રમ્પને ફાયદો કરાવવા માટે પ્રચારાત્મક ઓપરેશન ચલાવ્યું હોવાનું હાઈ કોન્ફિડન્સ સાથે નોંધાયું હતું, પરંતુ ટ્રમ્પે પોતાના ભાષણમાં રશિયાની દખલગીરીનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો.
ટ્રમ્પે પોતાના સંબોધનમાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક હુસૈન ઓબામા પર પણ માહિતીનો નાશ કરવા માટે 'બર્ન બેગ્સ' નો ઉપયોગ કરવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત તેમણે વેનેઝુએલાના માદુરો શાસન દ્વારા ડિજિટલી મતોમાં ગરબડ કરવાનું કાવતરું ઘડાયું હોવાના અને ૨૦૨૦માં મિશિગન ચૂંટણી તપાસને જો બાઇડેનના ન્યાય વિભાગે દબાવી દીધી હોવાના વણસાબિત આક્ષેપો પણ કર્યા હતા. આ ભાષણ દરમિયાન ટ્રમ્પના કેબિનેટના મોટાભાગના સભ્યો હાજર રહ્યા હતા, જેમાં કાર્યકારી એટર્ની જનરલ ટોડ બ્લેન્ચ અને કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકનો સમાવેશ થાય છે. સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને સલાહકાર સેબેસ્ટિયન ગોર્કા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ટીવી ચેનલો પર પ્રહાર અને નવા કાયદા માટે દબાણ:
ટ્રમ્પે આ ભાષણનું જીવંત પ્રસારણ ન કરવા બદલ મીડિયા ચેનલોને આડે હાથ લીધી હતી અને એનબીસી (NBC) તથા એબીસી (ABC) જેવી મોટી ટીવી ચેનલોના બ્રોડકાસ્ટ લાઇસન્સ રદ્દ કરવાની માંગ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે આ ચેનલો કટ્ટર ડાબેરીઓ વતી કાવતરામાં સામેલ છે.

બીજી તરફ, ટ્રમ્પના આ ભાષણ અંગે જોર્જિયાના સેનેટર્સ રાફેલ વોર્નોક અને જોન ઓસોફે આકરી પ્રતિક્રિયા આપી હતી. સેનેટર ઓસોફે જણાવ્યું કે વિશ્વના સૌથી પ્રખ્યાત હારેલા ઉમેદવાર દેશમાં મોંઘવારી વધી રહી છે ત્યારે પોતાની જૂની ફરિયાદો લઈને બેઠા છે. ટ્રમ્પ હાલ સંસદમાં વિવાદાસ્પદ 'સેવ અમેરિકા એક્ટ' (SAVE America Act) પસાર કરાવવા માટે ભારે દબાણ કરી રહ્યા છે, જે અંતર્ગત મતદારો માટે સિટિઝનશિપના પુરાવા (જેમ કે બર્થ સર્ટિફિકેટ કે પાસપોર્ટ) ફરજિયાત કરવાની અને વોટર લિસ્ટમાંથી સામૂહિક નામો કમી કરવાની જોગવાઈ છે. ડેમોક્રેટ્સ અને કેટલાક રિપબ્લિકન સાંસદો માને છે કે આ કાયદાથી લાખો કાયદેસરના અમેરિકી નાગરિકો મતાધિકારથી વંચિત રહી જશે. રિપબ્લિકન સેનેટ મેજોરિટી લીડર જોન થૂને પણ આ બિલને સેનેટમાં પસાર કરવા અંગે રાજકીય મુશ્કેલીઓ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

(9:25 AM IST)