તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પનો 'એઆઈ' ધમાકો : ૬ કલાકમાં ૪૫ પોસ્ટ કરીને વિશ્વ રાજકારણમાં ગરમાવો લાવી દીધો : ઈરાન પર હુમલા અને ૨૦૨૮ની ચૂંટણીના સંકેતો આપ્યા : 'ટ્રમ્પ ૨૦૨૮' ના મગ, કેપ અને ટાઈમ ટ્રાવેલ મુવીના AI પોસ્ટરો શેર કર્યા (ન્યૂઝફર્સ્ટ)
સરેરાશ દર ૮ મિનિટે એક પોસ્ટ : ઈરાની ઓઈલ ટેન્કરો પર કબ્જો અને ખાર્ગ આઈલેન્ડ પર હુમલાના કૃત્રિમ ચિત્રો શેર કર્યા : વિરોધી રાજકીય નેતાઓ અને મીડિયા પર્સનાલિટીઝ પર પણ એઆઈ ઈમેજીસ દ્વારા આકરા પ્રહારો

વોશિંગ્ટન (ન્યૂઝફર્સ્ટ) : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટૂંકા સમયમાં ટપોટપ પોસ્ટની વણઝાર સર્જીને વૈશ્વિક સ્તરે મોટો વિવાદ અને ચર્ચા જગાવી છે. તેમણે માત્ર ૬ કલાકના ગાળામાં ૪૫ જેટલી બિનસંદર્ભિત અને આક્રમક પોસ્ટ કરી છે. આ પોસ્ટ્સમાં મોટાભાગે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરાયેલી તસવીરો અને કાલ્પનિક પોસ્ટરોનો સમાવેશ થાય છે. સરેરાશ દર આઠ મિનિટે એક પોસ્ટ કરીને તેમણે પોતે અત્યંત શક્તિશાળી હોવાનો દાવો કર્યો છે અને ૨૦૨૮ની પ્રમુખપદની ચૂંટણી લડવાના સંકેતો આપતી તસવીરો પણ વહેતી કરી છે.
ઈરાન સાથેના તણાવ વચ્ચે સૈન્ય કાર્યવાહીની એઆઈ ઈમેજીસ વહેતી કરી:
ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં આંતરરાષ્ટ્રીય રાજકારણ અને લશ્કરી તાકાત દર્શાવતી તસવીરોનો મોટો હિસ્સો છે. તેમણે ઈરાનના ખાર્ગ આઈલેન્ડ પર અમેરિકી સેનાના હુમલા, ઈરાની ઓઈલ ટેન્કરો પર કબ્જો મેળવતી પોતાની તસવીરો અને ઈરાની જહાજોને વિસ્ફોટથી ઉડાવી દેવાના એઆઈ પોસ્ટરો શ્રેણીબદ્ધ રીતે શેર કર્યા છે. આ સિવાય નેવી કમાન્ડરના લુકમાં, સિગાર પીતા અને અમેરિકાના સ્થાપક પિતાઓ (ફાઉન્ડિંગ ફાધર્સ) સાથેના પોતાના કલ્પનાચિત્રો પણ પોસ્ટ કર્યા છે.
વિરોધી નેતાઓ, મનોરંજન જગત અને મીડિયા પર આકરા પ્રહારો:
સોશિયલ મીડિયા સ્પ્રી દરમિયાન તેમણે પોતાના રાજકીય વિરોધીઓ અને સેલિબ્રિટીઝને પણ લક્ષ્ય બનાવ્યા છે. ક્રેગ કેઈટલિન કોલિન્સ, બ્રુસ સ્પ્રિંગસ્ટીન, જિમી ફેલોન, જિમી કિમેલ, સ્ટીફન કોલબર્ટ અને રોઝી ઓડોનેલ જેવી મીડિયા તથા મનોરંજન ક્ષેત્રની હસ્તીઓ પર એઆઈ ઈમેજીસ દ્વારા પ્રહારો કર્યા છે. આ ઉપરાંત ડેમોક્રેટિક પ્રતિનિધિ જેરી નાડલર, ક્રિસ ક્રિસ્ટી અને રિપબ્લિકન સેનેટર જોન થુન સામે પણ આક્રમક વલણ અપનાવ્યું છે.
'ટ્રમ્પ ૨૦૨૮' ના મગ, કેપ અને ટાઈમ ટ્રાવેલ મુવીના AI પોસ્ટરો:
પોસ્ટ્સની શ્રેણીમાં 'ટ્રમ્પ ૨૦૨૮' લખેલી પિંક કેપ, મગ અને 'ગિવ ધ એનિમી નાઈટમેર્સ' ના નારા સાથેના પોસ્ટરો વાયરલ કરાયા છે. સ્ટાર ટ્રેક ફિલ્મ મોડેલ તેમજ જ્યોર્જ વોશિંગ્ટન સાથે ટાઈમ ટ્રાવેલ કરતી કાલ્પનિક મુવીના ફેક પોસ્ટરો પણ મૂકવામાં આવ્યા છે. જો બાઈડેનના ઓવલ ઓફિસ સંબોધન વખતે ટીવી પાસે ઊભેલા પોતાના ફોટોથી લઈને જેએફકે (જોન એફ કેનેડી) સાથેની એઆઈ તસવીરો શેર કરીને તેમણે સોશિયલ મીડિયા પર ભારે અફરાતફરી સર્જી દીધી છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
