તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
ડોનાલ્ડ ટ્રમ્પની ગંભીર ચેતવણી: "AI માનવતાનો વિનાશ નોતરી શકે છે, અત્યારે જ 'કિલ સ્વિચ' તૈયાર કરો!"
AIના ભયાનક વિકાસ વચ્ચે અમેરિકી પ્રમુખનું વિસ્ફોટક નિવેદન: બેંકિંગ સુરક્ષા અને સાયબર હુમલાઓના જોખમ વચ્ચે એન્થ્રોપિક અને OpenAI ના નવા મોડલ્સ પર ઉઠ્યા સવાલો

વોશિંગ્ટન: સમગ્ર વિશ્વમાં જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને ભવિષ્યની ક્રાંતિ માનવામાં આવી રહી છે, ત્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ટેકનોલોજીના ડાર્ક સાઇડ અંગે અત્યંત ગંભીર ચેતવણી આપી છે. એક વિશિષ્ટ મુલાકાત દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે AI ના ઝડપી અને અનિયંત્રિત વિકાસને રોકવા માટે તાત્કાલિક ધોરણે 'કિલ સ્વિચ' (કટોકટીમાં સિસ્ટમ બંધ કરવાની સુવિધા) ની જરૂર છે. તેમણે ચેતવણી આપી કે જો આ ટેકનોલોજી પર અત્યારે જ સરકારી અંકુશ અને સુરક્ષા નિયમો લાદવામાં નહીં આવે, તો ભવિષ્યમાં તે માનવ સભ્યતાના અસ્તિત્વ માટે જોખમ ઊભું કરી શકે છે. ટ્રમ્પના મતે, AI બેંકિંગ જેવા ક્ષેત્રોને સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવાની ક્ષમતા તો ધરાવે છે, પરંતુ તેની વિનાશક શક્તિ માનવ નિયંત્રણની બહાર જવાની પૂરેપૂરી શક્યતા છે.
આ વિવાદના કેન્દ્રમાં એન્થ્રોપિક કંપનીનું નવું અને અત્યંત શક્તિશાળી AI મોડેલ 'ક્લાઉડ માયથોસ' (Claude Mythos) છે. નિષ્ણાતોના મતે, આ મોડેલ એટલું સક્ષમ છે કે તે જટિલ સાયબર હુમલાઓ કરી શકે છે, જે વૈશ્વિક બેંકિંગ સિસ્ટમને પળવારમાં ઠપ કરી દેવાની તાકાત ધરાવે છે. આ જોખમને જોતા જ કંપનીએ તેને જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવ્યું નથી અને માત્ર પસંદગીની ૪૦ કંપનીઓ સાથે તેનું પરીક્ષણ કરી રહી છે. બીજી તરફ, OpenAI એ પણ તેનું નવું 'GPT-5.4-Cyber' મોડેલ લોન્ચ કર્યું છે, જે સોફ્ટવેરમાં બગ્સ શોધવાની સાથે સાથે તેનો દુરુપયોગ પણ કરી શકે છે. આ કંપનીઓએ 'ટ્રસ્ટેડ એક્સેસ' જેવા પ્રોગ્રામ દ્વારા વપરાશકર્તાઓની કડક સ્ક્રિનિંગ શરૂ કરી છે, જે સાબિત કરે છે કે ટેકનોલોજીના નિર્માતાઓ પોતે પણ આ "ડિજિટલ ભસ્માસુર" થી ફાળ ખાઈ રહ્યા છે.
માત્ર રાજકારણીઓ જ નહીં, પરંતુ 'AI ના ગોડફાધર' ગણાતા યોશુઆ બેંગિયો જેવા વૈજ્ઞાનિકો પણ હવે ટ્રમ્પના સૂર માં સૂર મિલાવી રહ્યા છે. બેંગિયોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ટેક કંપનીઓ અત્યારે સુરક્ષાને બાજુ પર મૂકીને માત્ર નફા પાછળ આંધળી દોટ મૂકી રહી છે, જે આત્મઘાતી સાબિત થઈ શકે છે. સાયબર વોરફેરથી લઈને આર્થિક ગુલામી સુધીના જોખમો હવે કાલ્પનિક નથી રહ્યા પણ વાસ્તવિકતા બની રહ્યા છે. ટ્રમ્પની 'કિલ સ્વિચ'ની માંગણી એ વિશ્વભરના દેશો માટે એક જાગૃત થવાનો સંકેત છે કે ટેકનોલોજી જ્યારે માનવ બુદ્ધિને માત આપવા લાગે, ત્યારે તેને કાબૂમાં રાખવા માટેની લગામ અત્યારથી જ તૈયાર હોવી જોઈએ.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
